US Recession
Risk on US Economy: અમેરિકન અર્થતંત્ર ફરી એકવાર મંદીના સંકટમાં છે. ગયા અઠવાડિયે જાહેર થયેલા કેટલાક આર્થિક આંકડા ખરાબ સંકેતો આપી રહ્યા છે…
વૈશ્વિક આર્થિક સ્થિતિ ફરી એકવાર પડકારરૂપ બની રહી છે. વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકા પર આર્થિક મંદીનો ખતરો વધી રહ્યો છે. ઘણા વિશ્લેષકો દ્વારા મંદીની અટકળો વચ્ચે હવે ગોલ્ડમેન સૅક્સે પણ આશંકા વધારી છે. ગોલ્ડમેન સૅક્સે અમેરિકામાં આગામી વર્ષમાં મંદીનું અનુમાન બદલ્યું છે અને વધાર્યું છે.
મંદીનું જોખમ ઘણું વધી ગયું છે
બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, ગોલ્ડમેન સૅક્સ ગ્રુપ ઇન્ક.ના અર્થશાસ્ત્રીઓએ આગામી વર્ષે અમેરિકામાં મંદીનો અંદાજ 15 ટકાથી વધારીને 25 ટકા કર્યો છે. જોકે, રાહતની વાત એ છે કે અર્થવ્યવસ્થા પર મંદીનું જોખમ હોવા છતાં અચાનક મોટું નુકસાન થવાનું જોખમ નથી. ગોલ્ડમૅન સૅશના અર્થશાસ્ત્રીઓ માને છે કે મંદીના વધતા જોખમ છતાં, એવા ઘણા કારણો છે જે સૂચવે છે કે બેરોજગારીમાં વધારો થવા છતાં, અર્થતંત્રમાં અચાનક મોટો ઘટાડો થવાનો નથી.
બેરોજગારીના ડરામણા આંકડા
અમેરિકામાં ગયા અઠવાડિયે અર્થવ્યવસ્થા સાથે જોડાયેલા કેટલાક ચિંતાજનક આંકડા સામે આવ્યા હતા. અમેરિકામાં બેરોજગારીનો દર 4.3 ટકા પર પહોંચી ગયો છે. ઓક્ટોબર 2021 પછી અમેરિકામાં બેરોજગારીનો આ સૌથી મોટો આંકડો છે. બેરોજગારીના દરમાં થયેલો આ વધારો બજારની ધારણા કરતાં વધુ છે અને તેના કારણે ફરી એક વખત મંદીનો ભય વધી ગયો છે. વિશ્લેષકો માને છે કે બેરોજગારીમાં થયેલો જંગી વધારો આવનારી મંદીનો સંકેત છે.
અમેરિકન શેરબજાર પર અસર
મંદીના ભયની અસર શેરબજાર પર પણ દેખાઈ રહી છે. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજના ફ્યુચર્સ આજે સવારે 7 વાગ્યે 375 પોઈન્ટ (લગભગ 1 ટકા) કરતા વધુ ડાઉન હતા. આ પહેલા શુક્રવારે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજ 610.71 પોઈન્ટ અથવા 1.51 ટકા ઘટ્યો હતો. જ્યારે S&P 500 ઇન્ડેક્સ 1.84 ટકાના નુકસાનમાં હતો અને ટેક સ્ટોક ફોકસ્ડ ઇન્ડેક્સ Nasdaq Composite 2.43 ટકાના નુકસાનમાં હતો.
અર્થશાસ્ત્રીઓ જોખમોને મર્યાદિત માને છે
ગોલ્ડમેનના અર્થશાસ્ત્રીઓએ રવિવારના રોજ એક અહેવાલમાં ગ્રાહકોને કહ્યું – અમે હજુ પણ મંદીના જોખમને મર્યાદિત ગણીએ છીએ. અર્થવ્યવસ્થા એકંદરે સારી દેખાઈ રહી છે. અત્યારે કોઈ મોટી નાણાકીય અસંતુલન નથી. ફેડરલ રિઝર્વ પાસે વ્યાજ દરોમાં ઘટાડો કરવાનો ઘણો અવકાશ છે અને જો જરૂર પડે તો ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ખૂબ જ ઝડપથી ઘટાડો કરી શકે છે.