Fiscal Deficit
Fiscal Deficit Data: સરકારે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં મૂડી ખર્ચ પર રૂ. 1.81 લાખ કરોડનો ખર્ચ કર્યો છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ. 2.78 લાખ કરોડ કરતાં ઓછો છે.
Fiscal Deficit Data Update નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રાજકોષીય ખાધ ઘટીને 8.1 ટકા થઈ ગઈ છે, જે ગયા નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 25.3 ટકા હતી. સરકાર દ્વારા જાહેર કરાયેલા રાજકોષીય ખાધના આંકડા અનુસાર એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં રાજકોષીય ખાધ રૂ. 1.36 લાખ કરોડ હતી, જ્યારે પ્રથમ બે મહિનામાં આ ખાધ રૂ. 50,615 કરોડ હતી.
ડેટા અનુસાર, એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં નેટ ટેક્સ રિસિપ્ટ રૂ. 5.5 લાખ કરોડ હતી, જે સમગ્ર વર્ષ માટેના લક્ષ્યના 21 ટકા છે. પાછલા નાણાકીય વર્ષમાં, આ સમયગાળા દરમિયાન ચોખ્ખી કર પ્રાપ્તિ રૂ. 4.34 લાખ કરોડ હતી. એપ્રિલથી જૂન ક્વાર્ટર દરમિયાન કુલ ખર્ચ રૂ. 9.7 લાખ કરોડ રહ્યો છે, જે સમગ્ર નાણાકીય વર્ષના લક્ષ્યાંકના 20.4 ટકા છે. ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળા દરમિયાન કુલ ખર્ચ રૂ. 10.51 લાખ કરોડ હતો. ચૂંટણીના કારણે પ્રથમ ક્વાર્ટરમાં સરકારી ખર્ચમાં ઘટાડો થયો છે.
એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં, સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાંધકામ માટે મૂડી ખર્ચ પર રૂ. 1.81 લાખ કરોડનો ખર્ચ કર્યો છે, જે સમગ્ર નાણાકીય વર્ષ માટેના લક્ષ્યાંકના 16.3 ટકા છે. ગયા વર્ષે સમાન સમયગાળામાં સરકારે રૂ. 2.78 લાખ કરોડનો ખર્ચ કર્યો હતો. સરકારના કુલ ખર્ચમાંથી રૂ. 2.64 લાખ કરોડ વ્યાજની ચૂકવણી પાછળ અને રૂ. 90,174 કરોડ સબસિડી ચૂકવવા પાછળ ખર્ચવામાં આવ્યા છે. નાણાકીય વર્ષ 2024-25માં સરકારે મૂડી ખર્ચ માટે 11.11 લાખ કરોડ રૂપિયા ફાળવ્યા છે. સરકારે ચાલુ નાણાકીય વર્ષ માટે આવકનો લક્ષ્યાંક વધારીને રૂ. 31.3 લાખ કરોડ કર્યો છે, જે વચગાળાના બજેટમાં રૂ. 30 લાખ કરોડ નક્કી કરવામાં આવ્યો હતો.
23 જુલાઈના રોજ નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કરતા, નાણામંત્રી નિર્મલા સીતારમણે રાજકોષીય ખાધનો લક્ષ્યાંક ઘટાડીને જીડીપીના 4.9 ટકા કર્યો છે, જે વચગાળાના બજેટમાં 5.1 ટકા કરવાની જાહેરાત કરવામાં આવી હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) પાસેથી રૂ. 2.11 લાખ કરોડનું ડિવિડન્ડ મેળવ્યા બાદ, સરકારે લક્ષ્યાંક ઘટાડવાનો નિર્ણય કર્યો છે. નાણાકીય વર્ષ 2023-24માં રાજકોષીય ખાધ જીડીપીના 5.6 ટકા હતી. નાણામંત્રીએ તેમના બજેટ ભાષણમાં કહ્યું કે નાણાકીય વર્ષ 2025-26 સુધીમાં સરકાર રાજકોષીય ખાધને જીડીપીના 4.5 ટકા સુધી ઘટાડશે.