ઇસ્કોન બ્રિજ પર જેગુઆર કારને લઈને વધુ એક ખુલાસો થયો છે. જેગુઆર કારનું રજિસ્ટ્રેશન અન્ય વ્યક્તિના નામે હોવાનું સામે આવ્યું છે. તથ્ય પટેલ જે કાર ચલાવતો હતો તે કાર ક્રિશ વરિયા નામની વ્યક્તિના નામે રજિસ્ટર છે. ક્રિશ વરિયાના પિતા હિમાંશુ વરિયા સામે ૪૦૦ કરોડની ઠગાઇની CBI તપાસ થઇ છે. આ સમગ્ર અકસ્માતમાં ગુનાહિત ટોળકી સંડોવાયેલી છે.
જેગુઆર કાર Gj01wk0093 RTO રજિસ્ટ્રેશન ક્રિશ વરિયાના નામે હોવાનું બહાર આવ્યું છે. ક્રિશ વરિયાના પિતા હિમાંશુ વરિયા છે અને હિમાંશુ વરિયા સામે પણ CBI એ તપાસ કરી છે. હિમાંશુ વરિયા સામે ૪૦૦ કરોડની CBI એ તપાસ કરી છે. કરોડોની ઠગાઈ મામલે CBI એ ૯ સ્થળે દરોડા પાડ્યા હતા. કરોડો રુપિયાની ઠગાઇના કેસમાં હિમાંશુ વરિયા સામે તપાસ કરાઇ હોવાનું બહાર આવતાં પોલીસ પણ ચોંકી ઉઠી છે.
CBI ની એક ટીમ ઘણા દિવસોથી અમદાવાદમાં હિંમાશુ વરિયા વિરુદ્ધ તપાસ કરી રહી છે. વરિયા એન્જિનિયરિંગે ૪૫૨ કરોડની ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાઈ છે. વરિયાના સંચાલકોએ ૨૦૧૩થી ૨૦૧૭ દરમિયાન આ ઠગાઈ આચરી હતી. જ્યારે મેસર્સ ગોપાલા પોલિપ્લાસ્ટ પ્રાઇવેટ લિમિટેડે ૭૨.૫૫ કરોડની ઠગાઈ કરી છે. મેસર્સ ગોપાલા પોલિપ્લાસ્ટના સંચાલકોએ ૨૦૧૭થી ૨૦૧૯ દરમિયાન ઠગાઈ આચરી હતી. બન્ને કંપની પર CBI માં અલગ અલગ ગુના નોંધાયા છે.
ક્રિશ વરિયાના પિતા હિંમાશુ વરિયા અને તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ ધંધામાં ભાગીદાર છે. હિમાંશુ વરિયાએ બેંકમાંથી ક્રેડિટ, ઓવરડ્રાફ્ટ લઈને ઉચાપત કરી હોવાની ફરિયાદ થઈ હતી. આ મામલે સીબીઆઈ તપાસ કરી રહી છે. તેમણે વિવિધ બેંકો સાથે ૪૦૦ કરોડથી વધુ રકમની છેતરપિંડી આચરી હોવાનો આક્ષેપ છે. તેણે સરકારી કર્મચારીઓની મદદથી દસ્તાવેજાેમાં છેડછાડ કરી ઠગાઈ આચરી છે.