વર્ષ ૨૦૧૧ માં આરોપીએ સુરતના સચિન વિસ્તારમાં રાત્રીના સમયે અશ્લીલ ફિલ્મ જાેયા બાદ બાળકી પર દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારી હતી. સુરત પીસીબી પોલીસના પીઆઇ આર.આર સુવેરા દ્વારા જણાવ્યા અનુસાર સુરતના સચિન પોલીસ મથકમાં નોંધાયેલા ચાર વર્ષની બાળકીના દુષ્કર્મ અને ખૂનના ગુનામાં સંડોવાયેલો આરોપી હાલમાં ઉતર પ્રદેશ ખાતે ફરી રહ્યો છે.બાતમીના આધારે પી.સી.બી પોલીસની એક ટીમ ઉતર પ્રદેશ ગયી હતી. જેમાં પીસીબી ના એ.એસ.આઇ સહદેવભાઇ વરવાભાઇ, અ.હે.કો અશોકભાઇ લૂણી દ્વારા અહી તપાસ કરતા આરોપીનું ગામ યુપી બિહારની બોર્ડર ઉપર આવેલું હતું અને આરોપી ત્યાં ભંગારનો ધંધો કરતો હતો. તેના ગામની આસપાસ જંગલ વિસ્તાર હોય તેને ગામમાં જઈને પકડવો ખુબ જ મુશ્કેલ હતો જેથી પોલીસે ત્રણ દિવસ વોચ રાખી હતી અને આરોપી ભંગારના ધંધા અર્થે ગામની બહાર આવતા જ પોલીસે આરોપી વિનોદ ભોલાનાથ ચૌહાણને ઝડપી પાડ્યો હતો.
પોલીસે તેની કડક પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે આરોપી વર્ષ ૨૦૧૧ ની સાલમાં સુરતના સચિન ખાતે આવેલા વિનયભાઈની ચાલ ખાતે રહેતો હતો અને સંચા મશીનમાં કામ કરતો હતો તેને પોર્ન ફિલ્મ જાેવાની ટેવ હતી. બનાવની રાત્રીના સમયે પોર્ન ફિલ્મ જાેયા બાદ નજીકમાં રમતી ૪ વર્ષીય બાળકીને ચોકલેટની લાલચ આપીને પોતાની રૂમમાં લઇ ગયો હતો અને બાદમાં બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું.
આ દરમ્યાન બાળકીનું મોત થતા તે બાળકીની લાશને રૂમમાં અભરાઈ પર સંતાડી ફરાર થઇ ગયો હતો. આ અંગે સચિન પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. વધુમાં આરોપીનું ગામ ઉતર પ્રદેશ અને બિહારની બોર્ડર ઉપર જંગલ વિસ્તારમાં આવેલું હોવાથી, પોલીસ તેની તપાસમાં આવે તો તે બિહાર રાજ્યના જંગલોમાં સંતાઈ જતો હતો અને પોતે અલગ અલગ ગામોમાં રહીને ભંગારનો ધંધો કરતો હતો. વધુમાં પોલીસે આરોપીનો મોબાઈલ તપાસતા તેમાંથી અશ્લીસ સાહિત્ય મળી આવ્યું હતું. જે આરોપીની આખરે પોલીસે ધરપકડ કરી કાર્યવાહી કરી છે.