રાજ્ય સરકારની આરોગ્ય સેવાઓ છેવાડા માનવી સુધી પહોંચે તે માટે ૧૦૮ની સેવાઓ અવિરત અને સતત કાર્યરત છે. નાગરિકોને નિરાયમ આયુષ્ય મળે તે માટે રાજય સરકારનો આરોગ્ય વિભાગ કટિબદ્ધ છે. રાજ્યમાં ઈમરજન્સી એબ્યુલન્સ સેવા ૧૦૮ આ દિશામાં ચાવીરુપ ભૂમિકા ભજવી રહી છે. મહત્વનું છે કે, અમરેલી જિલ્લાના ધારી તાલુકાના નવાપરા ગામમાં સગર્ભાની પ્રસૂતિનો એક કેસ ધારી ૧૦૮ સેવાને વહેલી સવારે ૪.૪૩ કલાકે મળ્યો હતો. કેસ મળતાની સાથે ૧૦૮ની ટીમ સ્થળ પર જવા રવાના થઈ ગઈ હતી.
હાલમાં ચારેકોર શ્રીકાર વર્ષા થતા રસ્તાઓ પર પાણી વધારે હોવાને લીધે સરળતાથી પસાર થવાનું સહેલું નહોતું. રસ્તો ચોખ્ખો ના હોવાને લીધે એમ્બ્યુલન્સ આગળ જઇ શકે તેમ ન હોવાથી ૧૦૮ સેવાના કર્મચારીઓએ પોતાના કુનેહ અને વ્યવહારું ઉકેલ આવી શકે તે માટે પહેલા મોટર સાયકલ પર બેસીને સારવાર માટેનો જરુરી સામાન સાથે લઈને અંદર વાડી વિસ્તાર સુધી પહોંચ્યા હતા. ત્યાં જઈને સ્થળ પર પ્રસૂતાની તપાસ કરતા જાણવા મળ્યુ કે, એક મહિલાને પ્રસવની પીડા વધુ હતી અને તે મહિલાને વધુ સારવાર માટે હોસ્પિટલ લઈ જવા પડે તેમ છે.
મહિલાને પ્રસૂતિના નિયત ૯ માસ પૂર્ણ પણ ના થયા હોવા છતાં તેમને પ્રસવ પીડા વધુ હતી અને તેમની આ સ્થિતિને લીધે મેડિકલ રીતે કઠિન પરસ્થિતિ હતી. તેમની આ સ્થિતિને ધ્યાને લઇ ૧૦૮ના ઇ.એમ.ટી.એ સ્થળ પર જ એટલે કે વાડી વિસ્તારમાં જ પ્રસૂતિ કરવાની ફરજ પડી હતી. આ સ્થિતિ અને સંજાેગ મુજબ ઇ.એમ.ટી. જલદીપભાઈ જાેષીએ ૧૦૮ના કોલ સેન્ટર પર ઉપસ્થિત ફિઝિશિયન ડોક્ટર સાથેની સલાહ સૂચના મુજબ મહિલાની વાડીમાં જ સલામત પ્રસૂતિ કરાવી હતી. તેમજ ૧૦૮ના ઇ.એમ.ટી. અને પાયલોટ ભાવેશભાઈ ગીડા દ્વારા સલામતીપૂર્વક વહેલી સવારે ૫.૨૦ કલાકે સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવવામાં આવી હતી. માતાએ સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો હતો. આ અંગે ૧૦૮ સેવા અમરેલીના જિલ્લા અધિકારી અમાનત અલી નકવીએ જણાવ્યુ કે, વાડીમાં થયેલી પ્રસૂતિમાં મહિલા અને બાળકીને હૉસ્પિટલ લઈ જવા જરુરી હતા. જાે કે, જેથી ટ્રેકટરની પાછળની ટ્રોલીમાં માતા અને બાળકીને સૂવડાવી તેમને સલામતીપૂર્વક ૧૦૮ એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવ્યા અને ત્યારબાદ ૧૦૮ એમ્બ્યુલન્સ વડે તેમને ધારી સરકારી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.