લોકવાયકા પ્રમાણે, જંગલમાં શિકાર કરતી વખતે અહમદશાહ બાદશાહે એક અદ્ભૂત દ્રશ્ય જાેયું. કૂતરો ઊભી પૂંછડીએ નાસતો હતો અને તેની પાછળ લલકાર આપતું સસલું ભાગતું હતું. અહેમદશાહ બાદશાહને આ શૌર્ય ભરેલ કૃત્ય જાેઈને શહેર વસાવવાનું મન થયું હતું. ૧૪૧૧માં માણેકબુર્જ પાસે અહેમદશાહ બાદશાહે એક શહેરનો પાયો નાંખ્યો હતો. આ શહેર આજે અમદાવાદ તરીકે ઓળખાય છે. અમદાવાદમાં ૧૨ દરવાજાઓ આવેલા છે. દરેક દરવાજા ઐતહાસિક મૂલ્ય ધરાવે છે. દરેક દરવાજાની પોતાની ઓળખ છે. ૧૪૮૦માં સુલતાન મહમદ બેગડા દ્વારા બાંધવામાં આવેલો બીજાે કિલ્લો પૂર્ણ થયો હતો. આ કિલ્લાનો દરવાજાે એક દરવાજાે અમદાવાદ રેલ્વે સ્ટેશન નજીક સારંગપુર ખાતે આવેલો છે. સારંગપુર દરવાજાનો ઉપયોગ લોકો શહેરમાં પ્રવેશવા અને બહાર નીકળવા માટે કરતા હતા.
સારંગપુર દરવાજા પાસે ૨૬ ફૂટ ઊંચી દિવાલ છે. ભૂતકાળમાં, આ ગેટના સાંકડા પ્રવેશદ્વારને કારણે કડક સુરક્ષાના પગલાં જાળવી શકાતા હતા. સારંગપુર દરવાજાનો પ્રવેશદ્વાર ત્રણ પથ્થરની કમાનોથી ઢંકાયેલો છે. આ વિશાળ પ્રવેશદ્વાર ખાતે ત્રણ સૈનિકો નજર રાખી શકે છે.પ્રાચીન સમયમાં આ દરવાજાે દુશ્મન દળોને શહેરમાં પ્રવેશતા અટકાવતો હતો. સારંગપુર દરવાજા નજીક કાપડનું મોટું બજાર આવેલું છે. સારંગપુરના બજારો હંમેશા ધમધમતા હોય છે. સારંગપુરનું સિંધી માર્કેટ અને ન્યૂ ક્લોથ માર્કેટ ઘણું પ્રખ્યાત છે. આ વિસ્તારમાં લોકોની અવર-જવર વધારે રહે છે. આ દરવાજા નજીક કાપડના વેપારીઓ મોટાપાયે વ્યવસાય કરે છે. આજે સારંગપુર ખાતે શહેરના અગ્રણી કાપડ બજાર આવેલા છે.