જમાનો ભલે ગમે એટલો આધુનિક થયો હોય અને આપણે મોટા મોટા દાવા કરતા હોઈએ પરંતુ આજે પણ અંધશ્રદ્ધા અનેક લોકોની જિંદગી નર્ક સમાન બનાવી રહી છે. દહેજભૂખ્યાં સાસરિયાઓ હવે પુત્રવધુને ટોર્ચર કરવા માટે અંધશ્રદ્ધાના હથિયારનો બેફામ ઉપયોગ કરી રહ્યા હોવાના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. અંધશ્રદ્ધામાં પરિણીતાઓ એ હદે પીસાઈ રહી છે કે સાસરિયાંઓ તેમના પર તાંત્રિકવિધિના બહાને નિતનવા અખતરા કરતાં હોય છે. અમદાવાદના વેજલપુર અને નવા નરોડામાં રહેતી બે પરિણીતાઓ અંધશ્રદ્ધાનો ભોગ બનતાં હવે તેમણે કાયદાનું શસ્ત્ર ઉગામ્યું છે.
તારા પિતાના ઘરેથી દોઢ કરોડ રૂપિયા લઇ આવ તેમ કહીને દહેજની માગણી કરતાં સાસરિયાં વિરુદ્ધ પરિણીતાએ લાલ આંખ કરી છે. અંધશ્રદ્ધામાં માનતાં સાસરિયા ઘરમાં ભૂવાને બોલાવતાં હતાં અને પરિણીતાને ઉપવાસ કરવાનું કહીને હેરાન કરતાં હતાં. આ સિવાય પતિને સ્પર્શ કરવાથી ઘરમાં તકલીફો આવશે તેમ કહીને ટોર્ચર કરતાં હતાં. નવા નરોડા વિસ્તારમાં રહેતી રીટા (નામ બદલ્યું છે)એ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પતિ જયમીન, સાસુ સુરેખાબેન, સસરા બીપિનભાઇ અને માસી સાસુ રમીલાબેન વિરુદ્ધ ડોમેસ્ટિક તેમજ માર માર્યાની ફરિયાદ કરી છે. લગ્નના ત્રણેક મહિના સુધી રીટાને તેના પતિ જયમીન સહિત સાસરિયાએ સારી રીતે રાખી હતી. થોડા સમય બાદ જયમીન અવારનવાર નોકરી પર કામ વગર રોકાઇ રહેતો હતો અને રાતે મોડા ઘરે આવતો હતો. આ સિવાય કારણ વગર રીટાને બોલાવવાનું બંધ કરી દેતો.
રીટા જયમીનને નોકરીથી ઘરે મોડા આવવાનું કારણ પૂછે તો તે મારઝૂડ કરતો હતો, જ્યારે સાસુ-સસરા પણ જયમીનનું ઉપરાણું લઇ રીટાને ગાળો બોલી તું આખો દિવસ ઘરમાં પડી રહે છે, મફતનું ખાય છે તેમ કહીને હેરાન-પરેશાન કરતાં હતાં. સાસુ-સસરા રીટાને જયમીન સાથે અમેરિકા મોકલી દેવા દબાણ કરતાં હતાં અને પિયરમાંથી દોઢ કરોડ લઇ આવવા માટે વાત કરતાં હતાં. રીટાએ દોઢ કરોડ રૂપિયા લાવવાની ના પાડતાં તેને મહેણાંટોણાં મારતાં. આ સિવાય સાસુ-સસરા ઘરમાં ભૂવાને બોલાવતાં અને તેમના કહેવાથી પરિણીતા પાસે ઉપવાસ કરાવતાં તેમજ તેને ભૂખી રહેવા માટે મજબૂર કરતાં હતાં. રીટાના સાસુ કહેતાં કે તારે તારા પતિથી દૂર રહેવાનું, તેની સાથે નહીં જવાનું અને સ્પર્શ પણ નહીં કરવાનો, નહીં તો ઘરમાં તકલીફો આવશે. જ્યારે તેનાં માસી સાસુ તેની નાની બહેનના લગ્ન તેમના સગામાં કરવા માટે કહેતાં હતાં, નહીં તો તેના ડિવોર્સ કરાવી દેવાની ધમકી આપતાં હતાં. જયમીન રીટાને માર મારતો હતો.
શહેરની અન્ય એક પરિણીતા પણ આ જ રીતે શારિરીક અને માનસિક ટોર્ચરનો ભોગ બની છે. સાસરિયાંએ પરિણીતાને એટલી હદે હેરાન-પરેશાન કરી કે તે પાંચ મહિનાના લગ્નજીવનથી કંટાળી ગઇ હતી અને અંતે તે પિયરમાં રહેવા માટે આવી ગઇ છે. તેમણે ‘તું અપશુકનિયાળ છે, તું આવી ત્યારથી અમારા ઘરની પડતી શરૂ થઇ છે’ તેમ કહીને ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું. જુહાપુરા વિસ્તારમાં રહેતી સીમરન (નામ બદલ્યું છે)એ વેજલપુર પોલીસ સ્ટેશનમાં પતિ મુનીર અહેમદ, સાસુ જમીલાબાનુ અને જેઠ સોયેબ (રહે. તાઇવાડા, વીરમગામ, અમદાવાદ) વિરુદ્ધ ડોમેસ્ટિક વાયોલન્સની ફરિયાદ કરી છે.
સીમરન હાલ પોતાના પિયરમાં રિસાઇને બેઠી છે અને તેનાં લગ્ન ફેબ્રુઆરી-૨૦૨૩માં થયાં હતાં. લગ્ન બાદ સાસુ જમીલાબાનુએ તેને કરિયાવરના મામલે હેરાન-પરેશાન કરવાનું શરૂ કરી દીધું હતું, જેથી તેને તાવ આવી ગયો હતો. તાવ આવતાં સીમરન એક અઠવાડિયા સુધી પિયરમાં રહેવા માટે આવી ગઇ હતી. સીમરનની તબિયત સારી થઇ જતાં તે પરત સાસરીમાં આવી ગઇ હતી, જ્યાં તેને સાસુ દ્વારા વધુ ત્રાસ આપવાનું શરૂ થઇ ગયું હતું. તેઓ તું અપશુકનિયાળ છે અને તું આવી ત્યારથી અમારા ઘરની પડતી થઇ છે તેમ કહેતાં.
સીમરનને જેઠ અને સાસુ ધમકી આપતાં હતાં કે ઘરમાં અમે કહીએ તે જ કરવાનું છે અને જાે અમે કહીએ તેમ નહીં કરે તો તને આ જ ઘરમાં દાટી દઇશું. સાસુ અને જેઠની વાત પતિને કરતાં તે પણ સીમરનનો પક્ષ લેવાની જગ્યાએ તેની સાથે મારઝૂડ કરવા લાગ્યો હતો. બે મહિના પહેલાં પતિ, સાસુ, જેઠ ભેગાં થઇ સીમરનને તને હાજરી આવે છે અને તારી વિધિ કરાવવી પડશે તેમ કહીને માનસિક ત્રાસ આપવા લાગ્યાં હતાં. સીમરને આ મામલે પતિને સમજાવવાની કોશિશ કરી હતી અને કહેવા લાગી હતી કે તમે આ અંધશ્રદ્ધામાં ન પડો. સીમરનની વાત સાંભળીને પતિ મુનીર અહેમદ ઉશ્કેરાયો હતો અને તેની સાથે મારઝૂડ કરવા લાગ્યો હતો, સાથે મોડી રાતે તેની છાતી પર બેસીને કહ્યું હતું કે આજે તો તને જાનથી મારી નાખીશ. સાસરિયાંએ સીમરનને ઘરમાંથી કાઢી મૂકતાં તે પિયર આવી ગઇ હતી. બે મહિના પિયરમાં રહ્યા બાદ સીમરને પોલીસ ફરિયાદ કરી હતી, જેમાં પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.