ચીનની આર્થિક શક્તિના કેન્દ્ર તરીકે ઓળખાતા ગ્વાંગડોંગ પ્રાંતની એક નર્સરી સ્કૂલમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળેલા અહેવાલો મુજબ આ ઘટનામાં છ લોકોના મોત થયા છે, જ્યારે અન્ય એક ઘાયલ થયો છે. અહેવાલોમાં પ્રાંતીય સરકારના પ્રવક્તાના હવાલાથી કહેવામાં આવ્યું છે કે મૃતકોમાં એક શિક્ષક, ત્રણ વિદ્યાર્થીનીઓ અને એક પતિ-પત્નીનો સમાવેશ છે.આ ઘટના આજે સવારે બની હતી. પોલીસે હુમલાના આરોપીની ધરપકડ કરી હતી.
પોલીસે માહિતી આપી છે કે આરોપીનું નામ વુ છે અને તેની ઉંમર લગભગ ૨૫ વર્ષ છે. પોલીસે કહ્યું છે કે આરોપીઓએ જાણી જાેઈને તેમના પર હુમલો કર્યો હતો. ચીનમાં સામાન્ય રીતે આવી ઘટનાઓ ભાગ્યે જ જાેવા મળે છે, પરંતુ તાજેતરના વર્ષોમાં દેશમાં છરી વડે હુમલાની ઘટનાઓ જાેવા મળી રહી છે. એટલું જ નહીં ત્યાંની શાળાઓમાં પણ આવી અનેક ઘટનાઓ બની છે.ગયા વર્ષે ઓગસ્ટમાં, દક્ષિણપૂર્વ જિયાંગસી પ્રાંતની એક નર્સરી સ્કૂલ પર હુમલાખોરે છરીથી હુમલો કર્યો હતો. જેમાં ૩ લોકોના મોત થયા હતા અને અન્ય ૬ લોકો ઘાયલ થયા હતા. આ ઉપરાંત એપ્રિલ ૨૦૨૧માં બેઈલીયુ શહેરમાં સામૂહિક છરાબાજી દરમિયાન બે બાળકો માર્યા ગયા હતા અને ૧૬ અન્ય ઘાયલ થયા હતા.