GST collection in March : ગયા નાણાકીય વર્ષ 2023-24ના માર્ચ મહિનામાં, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેક્શન વાર્ષિક ધોરણે 11.5 ટકા વધીને રૂ. 1.78 લાખ કરોડ થયું છે. નાણા મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે ઘરેલુ વ્યવહારોમાં વધારો થવાને કારણે માર્ચમાં GST કલેક્શનમાં વધારો થયો છે. આ અત્યાર સુધીનો બીજો સૌથી વધુ માસિક GST કલેક્શન છે. એપ્રિલ 2023માં અત્યાર સુધીનું સૌથી વધુ GST કલેક્શન રૂ. 1.87 લાખ કરોડ નોંધાયું હતું.
માર્ચમાં કલેક્શનમાં વધારા સાથે, સમગ્ર નાણાકીય વર્ષ 2023-24 માટે કુલ GST કલેક્શન 20.14 લાખ કરોડ રૂપિયા થયું, જે નાણાકીય વર્ષ 2022-23 કરતાં 11.7 ટકા વધુ છે. ચાલુ નાણાકીય વર્ષમાં સરેરાશ માસિક GST કલેક્શન રૂ. 1.68 લાખ કરોડ રહ્યું છે, જે એક વર્ષ અગાઉ રૂ. 1.5 લાખ કરોડ હતું.
નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “માર્ચ 2024 માટે GSTની કુલ આવક વાર્ષિક ધોરણે 11.5 ટકાના વધારા સાથે રૂ. 1.78 લાખ કરોડનું બીજું સૌથી વધુ કલેક્શન જોવા મળી હતી. સ્થાનિક વ્યવહારોમાં 17.6 ટકાના વધારાને કારણે કર વસૂલાતમાં આ ઉછાળો નોંધાયો હતો.માર્ચ મહિનામાં રિફંડ પછીની ચોખ્ખી GST આવક રૂ. 1.65 લાખ કરોડ હતી, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળા કરતાં 18.4 ટકા વધુ છે.
