મહારાષ્ટ્રમાં વર્તમાન સમયમાં રાજકારણમાં થયેલી ઉથલપાથલથી સૌ કોઈ વાકેફ છે. અજિત પવાર જ્યારથી ડે.સીએમ તરીકે શિંદે અને ભાજપના ગઠબંધનવાળી સરકારમાં સામેલ થયા છે ત્યારથી એકનાથ શિંદેને લઈને અનેક દાવાઓ કરવામાં આવી રહ્યા છે. આ સૌની વચ્ચે ઉદ્ધવ ઠાકરેના દિકરા આદિત્ય ઠાકરેએ એક મોટો દાવો કર્યો છે જેની સૌ કોઈ ચર્ચા કરી રહ્યું છે. આદિત્ય ઠાકરેએ કહ્યું છે કે મેં એવું સાંભળ્યું છે કે એકનાથ શિંદેને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવા જણાવી દેવામાં આવ્યું છે.
આદિત્ય ઠાકરેએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ટૂંક સમયમાં મહારાષ્ટ્ર સરકારમાં મોટું પરિવર્તન જાેવા મળી શકે છે. આદિત્ય ઠાકરેએ એક વર્ષ પહેલાં શિવસેનામાં એકનાથ શિંદે સાથે બળવો પોકારનારા નેતાઓને ટાંકીને કહ્યું હતું કે જે ઓરિજિનલ ગદ્દાર છે તેઓ આશા રાખીને બેઠા હતા કે તેમને સરકારમાં તક મળશે અને તેઓ મંત્રી બનશે. પણ હવે બધુ પલટાઈ ગયું છે.
આદિત્ય ઠાકરેએ કહ્યું કે હવે એનસીપીમાંથી બળવો પોકારીને ડે.સીએમ બની ચૂકેલા અજિત પવાર જૂથના નેતાઓને મંત્રીપદના શપથ અપાવી દેવાયા છે ત્યારે જે ઓરિજિનલ ગદ્દાર હતા તેઓ મંત્રી પદ વગરના રહી ગયા છે. આદિત્ય ઠાકરેએ મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ વિસ્તરણ પહેલાં આ ટિપ્પણી કરી હતી. શિવસેનામાં બળવો પોકારીને શિંદે સાથે જનારા બળવાખોરોને ટાંકીને તેમણે કહ્યું કે હવે તેમને ખબર પડશે કે એક વર્ષ સુધી રોકાઈ રહેવા છતાં તેમની વેલ્યૂ શું છે? તેઓને શું મળ્યું?