JSW Group and MG Motor : JSW ગ્રુપ ઓફ ઈન્ડિયા અને MG મોટર ઈન્ડિયા વચ્ચેનું સંયુક્ત સાહસ આવતા સપ્તાહની 20મીએ શરૂ થઈ શકે છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ બંને કંપનીઓના આ સાહસમાં લગભગ રૂ. 5,000 કરોડનું રોકાણ થશે. બંને કંપનીઓ ભારતમાં તેમના મેન્યુફેક્ચરિંગ અને રિટેલ ફૂટપ્રિન્ટને વિસ્તારવા માટે સાથે આવી છે અને સંયુક્ત સાહસ માટે સંમત થઈ છે. તમને જણાવી દઈએ કે, JSW ગ્રુપ એક ભારતીય બહુરાષ્ટ્રીય જૂથ છે જ્યારે MG Motor India એ ચીની ઓટોમોટિવ ઉત્પાદક SAIC મોટરની માલિકીની કંપની છે.
ભારતમાં ઉત્પાદન અને વેચાણના વિસ્તરણ માટે કંપનીઓ સંયુક્ત સાહસ તરીકે સાથે મળીને કામ કરશે. આ ઉપરાંત, આ સાહસ સાથે સંબંધિત અન્ય સમાચાર એ છે કે ખાનગી ઇક્વિટી રોકાણકાર એવર્સ્ટોન કેપિટલે પણ એમજી મોટરના ઇન્ડિયા ઓપરેશનમાં હિસ્સો હસ્તગત કર્યો છે.
સીઈઓએ શું કહ્યું
આ બાબતે, કંપનીના CEO એમેરિટસ રાજીવ ચાબાના જણાવ્યા અનુસાર, MG મોટર ઈન્ડિયાને રોકાણકાર તરીકે JSW ગ્રૂપ મળ્યા બાદ ઝડપથી વૃદ્ધિ થવાની અપેક્ષા છે. તેમણે કહ્યું કે ભારતમાં તેના પ્રથમ રાઉન્ડના બિઝનેસમાં, કંપનીએ ટેક્નોલોજી, ગ્રાહક અનુભવ, લિંગ વિવિધતા અને સમુદાય સેવાના આધારે ભારતીય બજારમાં પોતાનો પગ જમાવ્યો છે. એમજી મોટર ઈન્ડિયા હવે આ વિકાસને નેક્સ્ટ લેવલ પર લઈ જવાની યોજના બનાવી રહી છે.
તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે નવેમ્બરમાં ચીનની સૌથી મોટી ઓટોમોબાઈલ ઉત્પાદક SAIC મોટરે ભારતમાં MG મોટરના પરિવર્તન અને વૃદ્ધિને વેગ આપવા માટે JSW ગ્રુપ સાથે સંયુક્ત સાહસ કરાર કર્યો હતો. JSW ગ્રૂપ ભારતીય સંયુક્ત સાહસ કામગીરીમાં 35 ટકા હિસ્સો ધરાવશે.