કાર્ડિયોવસ્ક્યૂલર ડિઝીઝના કેસ વિશ્વમાં વધી રહ્યા છે, વૈજ્ઞાનિકો દ્વારા હાલના સમયમાં વધતા જતાં હાર્ટ એટેકના કેસ અને તેની પાછળના કારણોને લઇને અનેક સર્વે કરવામાં આવી રહ્યા છે. લેટેસ્ટ સ્ટડી અનુસાર, જે લોકો રાત્રે બ્રશ કરવાનું ટાળે છે, અથવા ક્યારેય રાત્રે સૂતા પહેલાં બ્રશ નથી કરતાં તેઓને હૃદયરોગની સંભાવના વધુ છે. દાંતની સફાઇ કરવી માત્ર સવારે ઉઠીને જ નહીં પણ રાત્રે કરવી પણ જરૂરી છે. સાયન્ટિફિક રિપોર્ટ્સ દ્વારા પ્રકાશિત આ રિસર્ચમાં સંશોધકોએ ૧,૬૦૦ દર્દીઓ પર રિસર્ચ હાથ ધર્યુ હતું, જેઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં હતા. રિસર્ચના અંતે સંશોધકોએ નોંધ્યું કે મોંઢાની સફાઇ અને હૃદયરોગ સાથે સીધો સંબંધ છે.
હોસ્પિટલમાં સર્જરી, એક્ઝામિનેશન અથવા મેડિકલ ટ્રીટમેન્ટ્સ લઇ રહેલા આ દર્દીઓને બે ભાગમાં વહેંચવામાં આવ્યા, જેમાંથી એક ગ્રૂપ દિવસમાં બે વખત બ્રશ કરતા વ્યક્તિઓનું હતું, જ્યારે બીજાં ગ્રૂપમાં એવા પેશન્ટ્સ હતા જેઓ ભાગ્યે જ બ્રશ કરતાં હતા. રિસર્ચ અનુસાર, જેઓ દિવસમાં બે વખત બ્રશ કરતાં હતા તેઓના કાર્ડિયોવસ્ક્યૂલર ડિઝીઝથી બચવાના રેટ્સ એવા દર્દીઓથી ઉંચા હતા જેઓ રાત્રે બ્રશ નહોતા કરતાં. સંશોધકોએ નોંધ્યું કે, આ રિસર્ચ દરમિયાન માત્ર સ્મોકર્સ જ નહીં પણ નોન-સ્મોકર્સ પણ રાત્રે બ્રશ કરવાની વાતને સહજતાથી લેતા હતા. આ સંશોધનના મુખ્ય લેખકોએ એ બાબત પર ભાર આપ્યો કે, માત્ર સવારે ઉઠીને બ્રશ કરવાથી તમારાં દાંતની સફાઇનું કામ પુરું નથી થતું. જાે દાંતને સવાર-રાત્રે યોગ્ય રીતે સાફ કરવામાં ના આવે તો ઓરલ બેક્ટેરિયા તમારાં આતરડાંમાં પ્રવેશ કરી શકે છે અને શરીરને બીમારીઓનું ઘર બનાવી શકે છે.
માત્ર એક પ્રદેશના પેશન્ટ્સને આધારિત આ રિસર્ચ સાથે અન્ય વૈજ્ઞાનિકોએ પણ સહમતિ દર્શાવી હતી. જાે કે, સંશોધકોએ કોઇ પણ તારણ પર પહોંચતા પહેલાં આ અંગે વધુ માહિતી એકઠી કરવાની જરૂર હોવાનું જણાવ્યું છે. કારણ કે, જે ડેટા એકઠાં કરવામાં આવ્યા છે તે એવા વ્યક્તિ પર આધારિત હતા જેઓ પહેલેથી જ બીમાર હતા. વૈજ્ઞાનિકો અનુસાર, બ્રેકફાસ્ટ પહેલાં બ્રશ કરવું ખૂબ જ જરૂરી છે, પરંતુ જાે તમારે કાર્ડિયોવસ્ક્યૂલર ડિઝીઝથી બચવું હોય તો તમારાં દાંતની રાત્રે પણ સફાઇ કરવી જરૂરી છે. નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો વિકલ્પ હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરની સલાહ લો.