જામનગર જિલ્લામાં પ્રથમ બિપોરજાેય વાવાઝોડાની અસર અને ત્યારબાદ ચોમાસાના વિધિવત પ્રારંભને લઈને છેલ્લા કેટલાક સમયથી વરસાદી વાતાવરણ જાેવા મળી રહ્યું છે. મોટાભાગના તાલુકાઓમાં ભારે મેઘમહેર થઈ છે. ત્યારે હવે ભેજવાળા વાતાવરણને લઈને જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નવાગામ સહિતના અમુક ગ્રામ્ય વિસ્તારોમાં ઈયળનો ઉપદ્રવ વધ્યો છે. આ ઈયળોના ત્રાસને લઈને ગ્રામજનો ભારે મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે.
લાલપુર તાલુકાના નવાગામના અનેક વિસ્તારોને ઇયળોએ ઘેરી લીધા હોય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.
ઘરની દીવાલો ઉપરાંત ઓટલા અને વાસણ સહિતની જગ્યાએ ઈયળોના ઝૂંડ જાેવા મળતા લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે.
નવાગામમાં મકાનોની છત પર દીવાલો પર ઘરના રસોડામાં બહાર ચોકમાં સર્વત્ર ઈયળના ઢગલા જાેવા મળી રહ્યા છે. બે ત્રણ દિવસથી ઈયળનો રાતોરાત ઉપદ્રવ વધવા લાગ્યો છે.
આથી ઈયળના ઉપદ્રવને લઈને ગ્રામજનોના આરોગ્ય સામે પણ જાેખમ ઝળુંબી રહ્યું છે અને રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત જાેવા મળી રહી છે. બીજી બાજુ લોકોએ આરોગ્ય તંત્રની કામગીરી સામે પણ આક્ષેપો કરી સવાલો ઉભા કર્યા હતા.
ત્યારે ઈયળની આ અણધારી આફતમાંથી લોકોને ઉગારવા માટે આરોગ્ય તંત્ર દ્વારા દવા અને ડીડીટી છંટકાવ કરવામાં આવે તેવી લોકોની માંગ હતી.
જેને લઈને ગામના સરપંચ હરીશભાઈ સાગઠીયાના જણાવ્યા અનુસાર જે વિસ્તારમાં ઈયળનો ઉપદ્રવ વધ્યો છે. તે વિસ્તારમાં આરોગ્ય તંત્ર દ્વારા દવા છંટકાવ કરવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે વાવાઝોડા બાદ ભારે વરસાદની ઉપાધિ અને હવે ઈયળોના ત્રાસની નવી અધોગતિ સામે આવતા નવા ગામના લોકો ચિંતામાં મુકાયા છે.