કુદરતી આફતોમાં રાજ્ય સરકાર ઝીરો કેઝ્યુલીટીના ધ્યેયમંત્ર સાથે અસરકારક કામગીરી કરતી આવી છે ત્યારે આવી ઘટનાઓ દરમિયાન રાજ્યના નાગરિકને સહેજ પણ આર્થિક કે શારિરીક નુકશાન થાય તેવા તમામ કિસ્સામાં તેની પડખે રાજ્ય સરકાર ઉભી રહી છે. તાજેતરમાં ગુજરાતમાંથી પસાર થયેલા બિપોરજાેય વાવાઝોડાથી ગુજરાતના જે ૧૦ અસરગ્રસ્ત જિલ્લાઓમાં નુકસાન થયું હતું તેવા કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, મોરબી, રાજકોટ, પાટણ અને બનાસકાંઠા જિલ્લાઓમાં અત્યાર સુધીમાં રાજ્ય સરકાર દ્વારા અંદાજીત કુલ રૂ.૧૧.૬૦ કરોડની ત્વરીત નુકસાન વળતર સહાય ચુકવી દેવામાં આવી હોવાનું પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે.
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે રાજ્ય સરકાર દ્વારા ચૂકવાયેલ ત્વરિત સહાયની વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું કે, કેશડોલ્સના ૧,૧૨,૬૫૩ કેસોમાં રૂ.૩.૫૨ કરોડની સહાય, ઘરવખરીના ૩૯૫ કેસોમાં રૂ.૨૦.૨૭ લાખની સહાય, પશુ સહાયના ૨૮૫૮ કેસોમાં રૂ.૪.૪૧ કરોડની સહાય, આંશિક પાકા મકાન સહાયના ૯૧૪ કેસોમાં રૂ.૧.૧૪ કરોડની સહાય, આંશિક કાચા મકાન સહાયના ૨૧૦૧ કેસોમાં રૂ.૧.૬૮ કરોડની સહાય ચૂકવવામાં આવી છે.
તદ્ઉપરાંત ઝુંપડા સહાયના ૨૫૭ કેસોમાં રૂ.૨૧.૮૨ લાખની સહાય, મહત્તમ સંપૂર્ણ પાકા મકાનના ૬ કેસોમાં રૂ.૬.૧૦ લાખની સહાય, મહત્તમ સંપૂર્ણ કાચા મકાનના ૨૪ કેસોમાં રૂ.૧૩.૪૦ લાખની સહાય, ઢોરના શેડની સહાયના ૪૩૨ કેસોમાં રૂ.૨૦.૭૭ લાખની સહાય તેમજ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં આ વાવાઝોડા દરમિયાન ૧૫ વ્યક્તિઓને થયેલી ઇજામાં સારવાર પેટે રૂ. ૭૨ હજાર મળીને કુલ રૂ. ૧૧ કરોડ ૬૦ લાખથી વધુ રકમની સહાય ચુકવવામાં આવી હોવાનું મંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યું હતું.