વૈભવી લાઈફ સ્ટાઈલ જીવવા માટે લોકો સાથે છેતરપિંડી કરી નાણાં મેળવી ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપતા ઇસમને રાંદેર પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી અલગ-અલગ દુકાનદારો પાસેથી છુટા પૈસા આપવાના બહાને દુકાનદારને છેતરી અથવા તો તેની પાસેથી રોકડા નાણા ઝૂંટવી ભાગી જતો હતો. સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં આ આરોપી સામે છેતરપિંડીના ગુનાઓ પણ નોંધાયા છે.
સુરતની રાંદેર પોલીસને છેતરપિંડીના ગુનામાં ભાગતા ફરતા આરોપીને પકડવામાં મોટી સફળતા મળી છે. આરોપીનું નામ અહેમદ રજા ઉર્ફે અયાન તૈલી હોવાનું સામે આવ્યું છે. આરોપી અહેમદ એટલો શાતીર હતો કે જ્યારે તેને પોલીસ પકડવા જાય ત્યારે તે પોતાને ખેંચ આવી હોવાનું નાટક કરતો હતો. આરોપી એક્ટિંગ પણ એટલી સારી રીતે કરતો હતો કે, સામેના વ્યક્તિને ખરેખર એવું લાગે કે આરોપીને ખેંચ આવી છે. જાેકે રાંદેર પોલીસે આરોપીના આ ઝાંસામાં ન આવી અને તેને ઝડપી પાડ્યો છે.
આરોપી ૨૦૧૭-૧૮માં સ્ટાર ગ્રુપની ચેનલ પર આવતી રાધા કૃષ્ણ નામની લોકપ્રિય સિરિયલમાં ભીમનો કીર્દાર નિભાવી ચૂક્યો છે. આ ઉપરાંત તે આ સિરિયલમાં કંસનું પાત્ર પણ ભજવતો હતો.
જે તે સમયે એક દિવસના શૂટિંગના આરોપીને ૧૫૦૦થી ૨૦૦૦ રૂપિયા આપવામાં આવતા હતા. જાેકે આરોપીને રિલ્સ બનાવવાનો તેમજ સોશિયલ મીડિયા પર ફોલોઅર્સ વધારવાનો શોખ હતો અને એટલા માટે તેને લક્ઝુરીયર્સ ગાડી તેમજ ટુવ્હિલરની જરૂર પડતી હતી.
ત્યારબાદ તે ધીમે ધીમે ડ્રગ્સના રવાડે ચડેલા મિત્રોની સંગતમાં આવ્યો હતો. ત્યારબાદ પોતાને પણ ડ્રગ્સની આદત લાગી ગઈ હતી. આરોપી પોતાના મિત્રો સાથે વૈભવી કારમાં ફરવાનો તેમજ સારી કંપનીના મોબાઈલ
વાપરવાની ટેવ ધરાવવા લાગ્યો હતો. આ માટે તેને ખૂબ જ વધારે પૈસાની જરૂર પડતી હતી અને એટલા માટે ધીમે ધીમે તે ગુનાહિત પ્રવૃત્તિઓ તરફ વળ્યો હતો. આરોપી પોતે એક્ટર હતો અને દેખાવે પણ સારો હોવાના કારણે કોઈપણ વ્યક્તિને પોતાના ઝાસામાં ફસાવી લેતો હતો.
આરોપી અહેમદ રઝા દવાની દુકાન, જ્વેલર્સની દુકાન, કરિયાણાની દુકાન પર જઈને પોતે બાજુની ઓફિસમાં નોકરી કરે છે તેવું જણાવી છુટાના બદલામાં ૫૦૦ના દરની નોટોનું બંડલ જાેઈએ છે તેવું કહીને લોકોને વિશ્વાસમાં લેતો હતો. ત્યારબાદ દુકાનદાર કે પછી તેના કર્મચારી પાસેથી આ પૈસા છીનવી લઈ કે પછી છેતરપિંડીથી આ પૈસા પડાવી લઈ અહેમદ રઝા ભાગી જતો હતો
મહત્વની વાત છે કે, આરોપી છેલ્લા બે વર્ષથી એકલો જ રહેતો હતો અને કોઈ કામ કરતો ન હતો તો આરોપીના પિતા આધારકાર્ડ અને પાનકાર્ડ બનાવવાનું કામ કરે છે. મહત્વની વાત છે કે, અહેમદ રઝાએ ધોરણ ૧૦ સુધી અભ્યાસ કર્યો છે અને તે સુરતની જનતા માર્કેટમાં મોબાઈલ રીપેરીંગનું કામ કરતો હતો. ત્યારબાદ તેને એક્ટિંગમાં રસ જાગ્યો અને થોડા વર્ષો અગાઉ ઇન્સ્ટાગ્રામ તેમજ ફેસબુક પર એકાઉન્ટ બનાવી તે પોતાની એકટીંગ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કરવા લાગ્યો અને ત્યારબાદ ઉમરગામ ખાતે એક્ટિંગ કરવા ગયો હતો. જ્યાં તેને ૨૦૧૭-૧૮માં સાઈડ રોલ તરીકે રાધાકૃષ્ણ સીરીયલમાં કંસ અને ભીમનું પાત્ર ભજવવાનું મોકો મળ્યો હતો.
આરોપીની પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે, આરોપીએ ભૂતકાળમાં પણ ઘણા છેતરપિંડીના ગુનાઓ કરેલા છે. રાંદેર પોલીસે આરોપીની ધરપકડ કરી અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પાંચ ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે આરોપી પાસેથી એક આઈફોન, એક્ટિવા અને રોકડા રૂપિયા ૧.૧૦ લાખ સહિત કુલ ૧,૬૫,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આરોપી અગાઉ ૧૭ છેતરપિંડીના ગુનાઓમાં પણ ઝડપાઈ ચુક્યો છે.