કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓ માટે એડહોક બોનસને મંજુરી આપી દીધી છે. દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે તે પહેલા જ સરકારે કેન્દ્રીય કર્મચારીઓને સરકાર તરફથી મોટી ભેટ આપી છે. નાણા મંત્રાલયે ગઈકાલે વર્ષ ૨૦૨૨-૨૩ માટે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે બોનસની ગણતરી કરવાની મહત્તમ મર્યાદા ૭ હજાર રુપિયા નક્કી કરી છે.
કેન્દ્ર સરકાર હેઠળના ગ્રુપ બી અને ગ્રુપ સીમાં આવતા નોન-ગેઝેટેડ કર્મચારીઓને પણ બોનસ મળે છે. આ ઉપરાંત કેન્દ્રીય અર્ધલશ્કરી દળો અને સશસ્ત્ર દળોના કર્મચારીઓને પણ એડહોક બોનસનો લાભ આપવામાં આવે છે. આ બોનસમાં તમને ૩૦ દિવસની સેલેરી જેટલા જ રુપિયા મળશે. આ ઉપરાંત આજે કેન્દ્ર સરકાર વધુ એક મોટી જાહેરાત કરી શકે છે. આજે સરકાર કેન્દ્રિય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (ડીએ)ને લઈને મોટી જાહેરાત કરી શકે છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આ વખતે કેન્દ્રીય કર્મચારીઓને ભથ્થામાં ૪ ટકા સુધીનો વધારો જાેવા મળી શકે છે.
કેન્દ્રીય કેબિનેટ અને સીસીઈએની બેઠક આજે યોજાશે અને તેમાં ડીએના વધારા અંગે ર્નિણય લેવામાં આવી શકે છે. જાે કેન્દ્ર સરકાર અપેક્ષા મુજબ કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૪ ટકાનો વધારો કરે છે, તો તેમને અત્યાર સુધી મળતો ડીએ ૪૨ ટકાથી વધીને ૪૬ ટકા થઈ જશે અને તેમના પગારમાં બમ્પર વધારો થશે. જાે કે હજુ સુધી સરકાર દ્વારા ડીએ વધારા અંગે કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.