આવકવેરા વિભાગે કર્ણાટકમાં કેટલાક કોન્ટ્રાક્ટરો અને તેમની સાથે સંકળાયેલા લોકો પાસેથી ૪૨ કરોડ રૂપિયાથી વધુની રોકડ રિકવર કરી છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે હાલમાં કાર્યવાહી ચાલી રહી છે. સ્થિતિ તો એવી થઈ કે કેટલી રોકડ છે તે જાણવા માટે નોટ ગણવાના મશીનો મંગાવવાની ફરજ પડી. આટલી મોટી માત્રામાં રોકડ જાેઈને આઈટી વિભાગના અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા.
અધિકારીઓએ જણાવ્યું કે આ રોકડ કર્ણાટકની રાજધાની બેંગ્લુરુમાં એક મકાનમાંથી મળી આવી હતી. આ મકાનમાં કોઈ રહેતું ન હતું. આ રોકડ એક બોક્સમાં રાખવામાં આવી હતી.
ભાજપના નેતા અને પૂર્વ ઉપમુખ્યમંત્રી સીએન અશ્વત નારાયણે આ મામલે કોંગ્રેસ સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસે આગામી વિધાનસભા ચૂંટણી માટે કોન્ટ્રાક્ટરો પાસેથી કમિશન તરીકે આ રકમ લીધી છે. આ ખૂબ જ નજીવી રકમ છે, જે આવકવેરા વિભાગે પકડી છે. આ માત્ર એક નમૂનો છે. ભાજપના નેતા અને એમએલસી એન રવિ કુમારે દાવો કર્યો હતો કે આવકવેરા વિભાગ દ્વારા જે રોકડ પકડવામાં આવી છે તે કોન્ટ્રાક્ટરો પાસેથી વસૂલવામાં આવી હતી અને તે આશરે ૪૨ કરોડ રૂપિયા હોઈ શકે છે. રોકડમાં ફક્ત ૫૦૦-૫૦૦ની જ નોટો છે. આ રોકડ ૨૩ જેટલાં બોક્સમાં ભરી રાખી હતી. એવો દાવો કરાઈ રહ્યો છે કે આ રોકડ તેલંગાણા ચૂંટણી માટે એકત્રિત કરવામાં આવી હતી. તેમણે આરોપ લગાવ્યો કે કોન્ટ્રાક્ટરો પાસેથી રૂ. ૬૫૦ કરોડની બાકી ચૂકવણી માટે આ રોકડ કમિશન તરીકે લેવામાં આવી હતી.
રવિ કુમારે આ મામલે તપાસની માંગ કરી હતી. ભાજપના અન્ય ઘણા નેતાઓએ પણ કોંગ્રેસ પર આવા જ આરોપ લગાવ્યા છે. આ મામલાને લઈને કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે આ આરોપો પાયાવિહોણા છે. કોઈએ કોઈની પાસે પૈસા માંગ્યા નથી. આરોપ લગાવનારા પાસે કયા પુરાવા છે? નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે કહ્યું કે આ મામલે રાજનીતિ કરવામાં આવી રહી છે. છત્તીસગઢ, તેલંગાણા અને અન્ય રાજ્યોમાં શું થઈ રહ્યું છે તે પણ આપણે જાણીએ છીએ. જ્યાં ભાજપ સત્તામાં હશે ત્યાં કશું થશે નહીં. જ્યાં ભાજપ સત્તામાં નથી ત્યાં આવી ઘટનાઓ બને છે.