દુનિયાના લગભગ તમામ દેશોની ધાર્મિક વસ્તીમાં ઝડપી ફેરફારો નોંધાઈ રહ્યા છે. અમેરિકન થિંક ટેન્ક પ્યુ રિસર્ચ સેન્ટરે આ અંગે એક અભ્યાસ હાથ ધર્યો છે. તેના પરિણામો તદ્દન ચોંકાવનારા છે. પ્યૂ રિસર્ચ સેન્ટરે ૨૦૧૫માં આ સંશોધન કર્યુ હતું. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આગામી ચાર દાયકામાં વિશ્વની ધાર્મિક વસ્તીમાં ઝડપી અને મોટા ફેરફાર થઈ શકે છે. હિંદુ ધર્મની સાથે ખ્રિસ્તી, ઈસ્લામ અને અન્ય ઘણા ધર્મોનો પણ સંશોધનના ક્ષેત્રમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. સંશોધન દ્વારા એ સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે આગામી ૪૦ વર્ષમાં કયા દેશમાં કયા પ્રકારની ધાર્મિક વસ્તી સૌથી વધુ હોઈ શકે છે. પ્યુ રિસર્ચ સેન્ટરના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, ૨૦૫૦માં હિંદુ ધર્મને અનુસરતા લોકોની વસ્તી વૈશ્વિક વસ્તીના ૧૫ ટકા સુધી પહોંચી જશે. તે જ સમયે, ભારતમાં સૌથી વધુ વસ્તી હાલની જેમ હિંદુ ધર્મને અનુસરતા લોકોની હશે.
અભ્યાસ મુજબ, ભારતમાં હિન્દુઓની વસ્તી ૨૦૫૦ સુધીમાં ૧.૨૯૭ અબજ સુધી પહોંચી શકે છે. હાલ, દેશમાં હિંદુ ધર્મના અનુયાયીઓની સૌથી વધુ સંખ્યા છે, જે કુલ વસ્તીના ૭૯ ટકાથી વધુ છે. હિંદુઓની વસ્તીના મામલે નેપાળ ભારત પછી બીજા ક્રમે છે, જ્યાં હિંદુઓની વસ્તી ૩.૮૧૨ કરોડ હશે. નેપાળની ૨૦૧૧ની વસ્તી ગણતરીમાં લગભગ ૮૧.૩ ટકા નેપાળના લોકોએ પોતાને હિંદુ ગણાવ્યા હતા. ૨૦૦૬ પહેલા આ દેશ હિંદુ રાષ્ટ્ર હતો. ત્યાર પછી નેપાળે પોતાને ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર જાહેર કર્યુ હતું. જાે કે હવે રાજકીય અને આર્થિક સંકટ વચ્ચે નેપાળમાં ધર્મ પરિવર્તનના સમાચાર મોટા પ્રમાણમાં આવવા લાગ્યા છે. બાંગ્લાદેશ સૌથી વધુ હિંદુ વસ્તી ધરાવતો વિશ્વનો ત્રીજાે દેશ હશે. બાંગ્લાદેશમાં ૨૦૧૧માં કરવામાં આવેલી વસ્તી ગણતરીના આંકડા દર્શાવે છે કે હિંદુ ધર્મ અહીંનો પહેલો લઘુમતી સમુદાય છે, જેની વસ્તી લગભગ ૮.૯૬ ટકા છે. હાલમાં, બાંગ્લાદેશ ભારત અને નેપાળ પછી વસ્તીની દ્રષ્ટિએ વિશ્વનું ત્રીજું સૌથી મોટું હિન્દુ રાષ્ટ્ર છે.
પાકિસ્તાનમાં લગભગ ૫૬.૩ લાખ હિંદુઓ છે. તેથી, પાકિસ્તાન સૌથી વધુ હિંદુ વસ્તી ધરાવતો ચોથો દેશ છે. જાે કે અત્યારે પાકિસ્તાનમાં લઘુમતી સમુદાયના હિંદુઓની હાલત ખૂબ જ ખરાબ છે. પાકિસ્તાનમાંથી પણ બળજબરીથી ધર્મ પરિવર્તનના સમાચાર વિશ્વમાં આવતા રહે છે. આવી સ્થિતિમાં ભવિષ્યમાં પાકિસ્તાનમાં હિંદુઓની સ્થિતિ કેવી હશે તે કહી શકાય નહીં. અભ્યાસ મુજબ સૌથી વધુ વસ્તીના મામલે અમેરિકા પાંચમા સ્થાને હોઈ શકે છે. પ્યુ રિસર્ચ સેન્ટર અનુસાર, વર્ષ ૨૦૫૦માં અમેરિકામાં ૪૭.૮ લાખ હિંદુઓ હશે. પ્યુ રિસર્ચ સેન્ટરે ‘રિલિજિયસ લેન્ડસ્કેપ સ્ટડી’ હેઠળ આ સરેરાશ ગણતરી કરી હતી, જ્યારે વર્ષ ૨૦૧૫માં અમેરિકાની હિંદુ વસ્તી ૨૨.૩ લાખ થઈ ચુકી હતી. અમેરિકા પછી ઇન્ડોનેશિયા છઠ્ઠા સ્થાને આવી શકે છે. અભ્યાસ મુજબ ઇન્ડોનેશિયામાં આગામી ૨૭ વર્ષમાં હિન્દુઓની વસ્તી વધીને ૪૧.૫ લાખ થઈ શકે છે.
હાલમાં ઈન્ડોનેશિયા મુસ્લિમ બહુમતી રાષ્ટ્ર છે. અહીં હિન્દુઓ સહિત અન્ય તમામ ધર્મોની વસ્તી લઘુમતીમાં છે. આ પછી શ્રીલંકા, મલેશિયા, બ્રિટન અને કેનેડામાં હિન્દુઓની વસ્તી વધુ થઈ શકે છે. જાેકે, તે ૪૦ લાખથી ૧૦ લાખની વચ્ચે હોવાનો અંદાજ છે. નવા ડેમોગ્રાફિક ટ્રેન્ડમાંથી ઘણી વસ્તુઓ ઉભરી રહી છે. ઉદાહરણ તરીકે, આગામી કેટલાક દાયકાઓમાં ખ્રિસ્તી ધર્મને અનુસરતા વસ્તીમાં ઘટાડો થશે, જ્યારે મુસ્લિમ વસ્તી ઝડપથી વધશે. આવી સ્થિતિમાં, વિશ્વમાં પહેલી વખત ખ્રિસ્તી અને મુસ્લિમ ધર્મ લગભગ સમાન ધોરણે ઉભા થશે.