રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા જી૨૦ સમિટમાં ભાગ લેનારા નેતાઓના સન્માનમાં ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે દેશના સંગીતના વારસાની ઝલક દર્શાવતા, ઉત્કૃષ્ટ વાદ્યવાદકોનું જૂથ શાસ્ત્રીય સંગીત અને સમકાલીન સંગીતની વિવિધ શૈલીમાં જી૨૦માં હાજરી આપનારા નેતાઓ માટે પ્રદર્શન અને રજૂઆત કરશે. દેશભરમાંથી ૭૮ પરંપરાગત વાદ્ય વાદકો આ કાર્યક્રમમાં ભાગ લેશે.
આ પ્રસંગે ગાંધર્વ અતોદ્યમ ગ્રુપ દ્વારા ભારત વાદ્ય દર્શનમ (ભારતની સંગીત યાત્રા) કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. તૈયાર કરવામાં આવેલા ભોજન સમારંભ કાર્યક્રમના બ્રોશર અનુસાર કાર્યક્રમમાં જે મુખ્ય શૈલીઓ દર્શાવવામાં આવશે તેમાં હિન્દુસ્તાની, કર્ણાટક લોક અને સમકાલીન સંગીતનો સમાવેશ થાય છે.
તેમાં સંતૂર, સારંગી, જલ તરંગ અને શહનાઈ જેવા ભારતીય શાસ્ત્રીય સંગીતનાં વાદ્યોનો સમાવેશ કરવામાં આવશે. આ કાર્યક્રમ ભારતના સમૃદ્ધ સંગીત વારસાને પ્રદર્શિત કરશે. કાર્યક્રમ સંગીતના ધીમા લયની રચનાઓ સાથે શરૂ થશે. ત્યાર બાદ મધ્યમ લયની રચનાઓ અને અંતમાં ઝડપી લયની કેટલીક રચનાઓ સાથે સમાપ્ત થશે. બ્રોશરમાં જણાવવામાં આવ્યું છે કે વાદ્યકોના વાદ્યમાં સમગ્ર ભારતમાંથી ૩૪ હિન્દુસ્તાની સંગીતનાં વાદ્ય, ૧૮ કર્ણાટક સંગીતનાં વાદ્ય અને ૨૬ લોક સંગીતનાં વાદ્યનો સમાવેશ થાય છે. ૭૮ વાદ્ય કલાકારોમાં ૧૧ બાળકો, ૧૩ મહિલાઓ, ૬ વિકલાંગ કલાકારો, ૨૬ યુવાનો અને ૨૨ વ્યાવસાયિકોનો સમાવેશ થાય છે. આ વાદ્યકો તેઓ જે પ્રદેશ કે રાજ્ય સાથે સંબંધિત છે એ રાજ્યનો પરંપરાગતપોશાકમાં સંગીત પીરસશે. આ કાર્યક્રમ દેશની વિવિધ કલાત્મક અભિવ્યક્તિઓને સૌંદર્યલક્ષી રીતે દર્શાવશે.