વડોદરામાં કોમી વૈમનસ્ય ફેલાય તેવો વીડિયો બનાવવા મુદ્દે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે ત્રણ યુવકોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જે તમામે થોડા સમય અગાઉ યુવતી સાથે ફરતા એક યુવકનો કોલર પકડીને નામ પૂછી ઉશ્કેરાટ થાય તેવો વીડિયો બનાવ્યો હતો. જે બાદ વીડિયો વાયરલ થતાં સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી. જે તપાસ બાદ પોલીસ ત્રણ આરોપીઓને દબોચી લીધા છે.
પોલીસે સમગ્ર બાબતની ઉંડાણ પૂર્વક તપાસ હાથ ધરતા અનેક ખુલાસાઓ થયા છે. સમગ્ર મામલે ડીસીપી અભય સોનીએ જણાવ્યું કે, આ આરોપી વોટ્સએપમાં ગ્રૂપ ચલાવતા હતા, જે માધ્યમથી તેમને જાણ થતી કે બે અલગ અલગ ધર્મના યુવક યુવતી સાથે ફરી રહ્યાં છે. ત્યાર બાદ તે યુવતી અને યુવકના ફોટા પાડી લેતા હતા, ત્યારબાદ બ્લેકમેઈલ કરતા હતા.
ડીસીપી અભય સોનીએ જણાવ્યું કે, વોટ્સએપ ગ્રૂપ ચલાવતા ત્રણય ગ્રૂપ એડમિનની ધરપકડ કરી છે તેમજ અન્ય લોકોની પણ પૂછપરછ હાથ ધરી છે. વિગતવાર માહિતી આપતા જણાવ્યું કે, આ યુવાનોની આખી ટીમ છે જે યુવતીઓ પર નજર રાખતી હતી. ત્યારબાદ તેમને જાણ થતી કે, બે અલગ અલગ ધર્મના યુવક યુવતી સાથે બેઠેલા છે તો તેઓ તરત ત્યાં પહોંચી જતા અને ફોટો વીડિયો લઈ હોબાળો પણ મચાવતા હતા. પરિવારને વીડિયો બતાવી વાયરલ કરવાની ધમકીઓ પણ આપતા હતા.
અભય સોનીએ જણાવ્યું કે, આ આોરોપીઓ એક ગ્રુપ બનાવીને તેને ફક્ત ૪ મહિના જ એક્ટિવ રાખતાં હતા, ત્યારબાદ ડિલિટ કરી નાખતાં હતા. બાદમાં નવું ગ્રુપ બનાવી ફરીથી કોમી વૈમનસ્ય ફેલાય તેવા વીડિયો નાખતાં હતા. તેઓ મોબ લિન્ચિંગ પણ કરતા હતાં. રમખાણો થાય, કોમી ભડકો થાય તેવી પ્રવૃત્તિ પણ કરતા હતા.
શહેરના અકોટા વિસ્તારમાં એક આઈસક્રીમની દુકાનમાં બે માસ અગાઉ યુવક-યુવતી બેઠા હતા. આ ટીમના કેટલાક યુવકો તેમની પાસે આવ્યા હતા અને ડાયરેક્ટ યુવકનો કોલર પકડી લીધો હતો. ત્યારબાદ આ તમામે યુવકને તેનું નામ અને સરનામું પૂછ્યું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ તેઓએ બનાવ્યો હતો. જે બાદ તેઓએ યુવક-યુવતીને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું અને વીડિયો વાયરલ કરી દીધો હતો .
