સુરતના સીટીલાઈટ ખાતે આવેલા એક એપાર્ટમેન્ટમાં ૧૦માં માળે ગેસ લીકેજનાકારણે આગ ભભૂકી ઉઠી હતી. બીજી તરફ બનાવની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોચી હતી. ફાયર વિભાગની ટીમે ઘરમાંથી બે બાળકીઓનું રેસ્ક્યુ કર્યું હતું જયારે ઘરકામ કરતા ૫૫ વર્ષીય મહિલા બેભાન મળતા તેઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું મોત નીપજ્યું હતું. આ ઉપરાંત રેસ્ક્યુની કામગીરી દરમ્યાન માર્શલ લીડર પણ હાથ અને પગના ભાગે દાઝી જતા તેને પણ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ સુરતના સીટી લાઈટ ખાતે દેવકૃપા એપાર્ટમેન્ટમાં ૧૦માં માળે આગ લાગ્યાનો કોલ ફાયર વિભાગને મળ્યો હતો.
જેથી ૪ ફાયર સ્ટેનનની ટીમ ફાયર એન્જીન અને ટીટીએલ સાથે તેમજ ચીફ ફાયર ઓફિસર બંસંત પારીખ પણ બનાવની ગંભીરતા જાણીને ઘટના સ્થળે પહોચ્યા હતા. અહી ૧૦માં માળે સંજીવભાઈ દીપડીવાલાના ઘરમાં પૂજાનું આયોજન હતું અને પ્રસાદ બનાવવાની કામગીરી થઇ રહી હતી તે દરમ્યાન ઘરમાં ગેસ લીકેજના કારણે ઘરમાં આગ ભભૂકી ઉઠી હતી.આ આગના કારણે ત્યાં અફરાતફરી મચી જવા પામી હતી. દરમ્યાન બે બાળકો ઘરમાં ફસાયા હોવાનું જાણવા મળ્યું હતું જેથી ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ ૧૩ અને ૬ વર્ષીય બાળકીનું રેસ્ક્યુ કરી લીધું હતું.
બાદમાં ઘરમાં વધુ તપાસ કરતા ઘરકામ કરતા ૫૫ વર્ષીય રાધાબેન પુરષોતમભાઈ બારૈયા બેભાન મળી આવ્યા હતા. ફાયર વિભાગની ટીમે રાધાબેનનું રેસ્ક્યુ કરીને તેઓને તાત્કાલિક સારવાર અર્થે ૧૦૮ની મદદથી હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા છે. વધુમાં રેસ્ક્યુ ઓપરેશન અને ફાયર ફાઈટીંગ કરતા ફાયર માર્શલ લીડર મેહુલ સેલર ને હાથ, પગ અને મોઢા ના ભાગે દાઝી ગયો હતો જેથી તેને પણ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.