રાજ્યમાં ઠેર ઠેર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના પગલે ક્યાંક લોકોને મુશ્કેલીનો સામે કરવો પડી રહ્યો છે તો ક્યાંક ખુશીનો માહોલ જાેવા મળી રહ્યો છે. સાબરકાંઠામાં વરસાદના પગલે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. વરસાદની તોફાની બેટિંગને લઇ ઇડરમાં આભ ફાટ્યો હોય તેવા દ્ર્શ્યોનું નિર્માણ થયું છે તો બીજી તરફ તલોદમાં ૫ ડીપ બંધ કરાયા છે.સાબરકાંઠાના તલોદમાં ૯ ઇંચ વરસાદથી જળબંબાકાર જેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. ભારે વરસાદને લઈ છત્રીસા ગામ બેટમાં ફેરવાયુ છે જેને લઈ તાલુકા વિકાસ અધિકારી સહિતનુ વહીવટી તંત્ર ઘટનાસ્થળે દોડી આવ્યું હતું. પાણી ભરાતા ૧૦૦ લોકોનું સ્થળાંતર કરાયુ હતું અને ૪૦ પશુઓને રેસ્ક્યૂ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
ભારે વરસાદના પગલે ઇડર શહેર તેમજ હાઇવે પર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ઇડર હિમતનગર સ્ટેટ હાઇવે રોડ પાણીમાં ગરકાવ થયો છે જેના પગલે સ્ટેટ હાઇવે પરથી પસાર થતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે તેમજ સાપાવડાથી કૃષ્ણનગર સુધી ભારે ટ્રાફિક જામ થયો છે. ભારે વરસાદને પગલે રોડ પર પાણી ભરાતા ડાઇવર્જન પણ અપાયું છે.સાબરકાંઠામાં વરસાદે અનેક મુશ્કેલીઓ ઉભી કરી છે. તલોદ, પ્રાંતિજ, હિંમતનગર બાદ ઈડરમાં પણ ભારે વરસાદ તારાજી સર્જી છે. ભારે વરસાદને લઈ હિંમતનગર-અંબાજી માર્ગ પર પાણી ફરી વળ્યા હતી જેના પગલે વાહન ચાલકો અટવાયા હતાં.
તલોદમાં ભારે વરસાદના કારણે ૫ ડીપ બંધ કરાયા છે, વરસાદની ધમાકેદાર બેટિંગને લઈ સાબરકાંઠા વહીવટી તંત્ર સાબદુ બન્યું છે. તમામ ડીપ ઉપર અવરજવર બંધ કરાઈ છે. જિલ્લાના મોટાભાગના જળાશયોમાં પાણીની આવક નોંધાઈ છે. પ્રાંતિજ-તલોદમાં ૧૦ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. તલોદમાં પ્રથમ વરસાદમાં મોરલ ડુંગરી તળાવ ઓવરફ્લો થતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ છવાયો છે.સાબરકાંઠાના હિંમતનગરમાં ભારે વરસાદથી રસ્તાઓ પર ઢીંચણસમા પાણી ભરાતા ટ્રાફિકજામના દ્રશ્યો સામે આવ્યા છે.
ટ્રાફિકજામ થતા રસ્તા પર એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હતી. હિંમતનગરના બસ સ્ટેન્ડ અને ડૉક્ટર હાઉસ વિસ્તારમાં ટ્રાફિકજામ થયું હતું.હિંમતનગર-વિજાપુર રોડ પર પાણી ભરાતા ટ્રાફિકની સમસ્યા ઉભી થઈ હતી. હાથમતી નદી ઉપરના પુલ પર પાણી ફરી વળ્યા હતા. રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહનચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદના કારણે હાથમતી નદીમાં નવા નીરની આવક પણ થઈ છે.