ગાંધીના ગુજરાતમાં શિક્ષણ પાછળ સરકાર કમર કસતી હોવાની સુફિયાણી વાતો વચ્ચે શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી જેવા સ્લોગનો સામે એક એવી શાળા કે જે સરકાર દ્વારા મંજૂર કર્યા ના ૭ વર્ષ વીતી ગયા બાદ પણ ૨૩૦ જેટલા વિદ્યાર્થીઓને પંચમુખી હનુમાનજીના મંદિરના આશ્રમમાં બેસીને અભ્યાસ કરવા મજબૂર છે. અમરેલી જિલ્લાના જામકા ગામે શાળાના મકાનના અભાવે બાળકો મંદિરના આશ્રમમાં બેસીને ભણવા મજબૂર બન્યાં છે.
અમરેલી જિલ્લાના જામકા ગામે શાળાના મકાનના અભાવે બાળકો મંદિરના આશ્રમમાં બેસીને ભણવા મજબૂર બન્યાં છે.
મહત્વનું છે કે, સરકાર દ્વારા જામકા ગામમાં ધોરણ ૯થી ૧૨ માટે હાઈસ્કૂલ બનાવવા માટે વર્ષ ૨૦૧૬માં મંજૂરી આપવામાં આવી હતી. ત્યાર બાદ વર્ષ ૨૦૧૭થી અભ્યાસ શરૂ કરવામાં આવ્યો હતો. પરંતુ આજે ૭ વર્ષ બાદ પણ શાળાનું બિલ્ડિંગ ન બનતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર માઠી અસર પડી રહી છે. વિદ્યાર્થીઓ શાળાના અભાવે આશ્રમમાં ભણી રહ્યાં છે. વાલીઓ અને સરપંચ દ્વારા અનેક રજૂઆતો કરવા છતાં કોઈ કામગીરી કરવામાં આવી નથી. જેને લઈને વાલીઓમાં રોષ ફેલાયો છે અને વહેલીતકે શાળાનું બિલ્ડીંગ બનાવવા માગ કરી રહ્યાં છે.
સાત સાત વર્ષથી સરકારી તંત્ર હાઈસ્કૂલનું બિલ્ડિંગ નિર્માણ નથી કરી શકી અને જિલ્લા શિક્ષણાધિકારી કે. વી. મિયાણી દ્વારા પ્રાથમિક શાળામાં બેસાડીએ છીએ ને બિલ્ડિંગ બનાવવાની કામગીરી ચાલુ હોવાની વાત પણ જણાવી હતી. એક તરફ ભણશે ગુજરાત ખેલેશે ગુજરાતની વાતો વચ્ચે જામકાના ૨૩૦ જેટલા વિદ્યાર્થીઓને આશ્રમમાં બેસીને અભ્યાસ કરવો પડતો હોય તે શિક્ષણ વિભાગ માટે કેટલુ યોગ્ય કહેવાય.