રાજ્યમાં આજે ૪૯ તાલુકામાં વરસાદ વરસ્યો છે. સવારે ૬ થી ૨ વાગ્યા સુધીમાં ૪૯ તાલુકામાં મેઘમહેર થઈ છે. નવસારી, મુંદ્રા, ચીખલી, ખેરગામ, ધરમપુર, મહુવા, પારડી, વલસાડ, વાલોડ, નંત્રંગ, ગણદેવી, સોનગઢ, વ્યારામાં સવા બે ઈંચથી પોણા બે ઈંચ વરસાદ થવા પામ્યો છે. જ્યારે ધોરાજીમાં ૧ ઈંચ વરસાદ નોંધાયો છે. તેમજ કડાણામાં ૧ ઈંચ અને લાઠીમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે.
બોટાદ શહેરનાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. ત્યારે શહેરનાં પાળીયાદ રોડ પર પાણી ભરાયા હતા. જ્યારે મહિલા કોલેજ પાસે વરસાદી પાણી ભરાયા હતા. જેથી રસ્તા પરથી પસાર થતી મહિલાઓને ભારે તકલીફ ભોગવવી પડી હતી. ત્યારે બપોર બાદ શહેર સહિત જીલ્લામાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો.
બોટાદ જીલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. એક દિવસનાં વિરામ બાદ મેઘરાજાનું ફરી આગમન થયું છે. જેમાં બોટાદ, રાણપુર, ગઢસા, ઢસા સહિતનાં તાલુકા પંથકમાં વરસાદ વરસ્યો હતો. તેમજ લાખણકા, ઈશ્વરીયા, ખોપાળા, પાળીયાદ, તરઘરા, ઉગામેડી સહિતનાં ગામોમાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. વાવાણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી જવા પામી હતી. વલસાડની ધરમપુર નગરપાલિકાની પ્રિ-મોન્સુન કામગીરી પર સવાલ ઉભા થયા છે. જેમાં પ્રથમ વરસાદમાં પણ ધરમપુરમાં પાણી ભરાયા હતા. નીચાણવાળા રસ્તાઓ પર પાણી ભરાઈ જતા લોકોને આવવા જવામાં ભારે તકલીફ પડી હતી. સ્ટેટ હોસ્પિટલ સામેનાં રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓની મુશ્કેલીમાં વધારો થયો હતો.
અમરેલીનાં ધારી અને બગસરા પંથકમાં વરસાદ પડ્યો હતો. સતત ચોથા દિવસે બગસરામાં વરસાદી માહોલ છવાયેલો રહ્યો હતો. ચોથા દિવસે પણ મેઘ મહેરનાં કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતાં પાણી ભરાયા હતા. ત્યારે ગ્રામ્ય વિસ્તાર ડેરી પીંપરીયા, માવજીંજવા, હડાળા, બાલાપુર સહિતનાં ગામોમાં વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા.
સુરત જીલ્લાનાં મહુવા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તાર કરચેલિયા, વલવાડા, મહુવરીયા સહિતનાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. ત્યારે હવામાન વિભાગે ૪ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે.
સુરતમાં મહાનગર પાલિકાની વધુ એક બેદરકારી સામે આવી છે. જેમાં કડોદરામાં એક મહિનાં પહેલા બનાવવામાં આવેલ અંડરપાસમાં ભૂવો પડ્યો છે. ત્યારે અંડરપાસ માટે બનાવેલી ડ્રેનેજ ગટર લાઈનમાં ભુવો પડ્યો છે. હજુ એક મહિના પહેલા કડોદરામાં અંડરપાસ બનાવવામાં આવ્યો હતો. ૧૧૦ કરોડનાં ખર્ચે બનાવવામાં આવેલ અંડરપાસમાં એક મહિનાં પહેલા જ ભુવો પડતા કોન્ટ્રાક્ટરે કરેલી કામગીરી પર અનેક સવાલો ઉભા થવા પામ્યા છે.