સસ્તામાં સોનાની લગડી, ઇલેક્ટ્ર્રોનિક્સ ચીજવસ્તુ, મોબાઇલ, મોપેડ અપાવવાના બહાને કુંભારિયાના ગજાનંદ સાકરવાલાએ જિમ ટ્રેનર સહિત લોભામણી લાલચમાં ૧૦થી વધુ યુવકો પાસેથી ૨.૮૮ કરોડની ઠગાઈ છે. ક્રાઇમ બ્રાંચમાં ગુનો નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
સુરત શહેરના સિંગણપોર કોઝવે રોડ પર અર્ચના સોસાયટી ખાતે રહેતા ૩૬ વર્ષીય કૃણાલ પ્રવીણભાઇ પટેલ જિમ ટ્રેનર છે. સિંગણપોર ખાતે માય ફિટનેસ ટેમ્પલના નામે ભાગીદારીમાં તેઓ જિમ ચલાવે છે. ૩ માસ પહેલાં જિમમાં ટ્રેનિંગ લેતા વિપુલભાઇ હસ્તક ગજાનંદ પ્રભાકર સાકરવાલા સાથે પરિચય થયો હતો. ગજાનંદ સાકરવાલા વારંવાર જિમ પર આવતા તેઓ વચ્ચે મિત્રતા થઇ હતી.
ગજાનંદે પોતે ઇલેક્ટ્ર્રોનિક્સનો મોટાપાયે ધંધો કરે છે એમ કહી વિશ્વાસ કેળવ્યો હતો. કૃણાલે જિમ શિફ્ટ કરતા ગજાનંદે ચાર સીલિંગ ફેન, ૫૦ એલઇડી લાઇટ ગિફ્ટમાં તેમને આપી હતી.ત્યારબાદ ગજાનંદે ઇલેક્ટ્રોનિક્સના ધંધામાં રોકાણની સ્કીમ આપી હતી. જેથી લાલચમાં આવી કૃણાલે સસ્તામાં ઇલેક્ટ્ર્રોનિક્સની ચીજવસ્તુઓ ખરીદી બજારભાવે વેચવાનું શરૂ કર્યુ હતું. જેમાં સારો એવો નફો મળતા કૃણાલને ગજાનંદ પર વિશ્વાસ વધી ગયો હતો.
થોડા દિવસો પછી ગજાનંદે જણાવ્યું કે, તેના પિતાજીની કાચા સોનાની સિન્ડિકેટ ચાલે છે, તેના પિતાજી તુર્કીથી કાચું સોનું લાવી સુરતમાં નામાંકિત જ્વેલર્સને સસ્તા ભાવે વેચે છે. જેથી આ જ્વેલર્સમાંથી એક તોલા સોનાની ખરીદીમાં ૨૦-૨૨ હજાર જેટલું ડિસ્કાઉન્ટ મેળવતો હોવાની પણ સ્કીમ આપી હતી. જેથી કૃણાલે અઢી માસ પહેલાં ૬૧ હજારના ભાવનું સોનું ૪૨ હજારના ભાવે ખરીદ્યું હતું. ૫ તોલા સોનું ખરીદ્યું
આ રીતે સસ્તામાં સોનું ખરીદી બજારભાવે વેચતા કૃણાલને ફાયદો થયો હતો. તેને મિત્રોને વાત કરતા તેઓ પણ ગજાનંદ હસ્તક સોનું ખરીદતા થયા હતા. ત્યારબાદ ૩૯૦ ગ્રામ સોનાનો ઓર્ડર આપ્યો હતો. ૫૦ હજારના ભાવે ૧૯.૫૦ લાખ આપ્યા છતાં સોનાની લગડી આપી ન હતી. ગજાનંદ યેનકેન પ્રકારે બહાના કરતો હતો.
વધુમાં કૃણાલે ગજાનંદ પાસેથી એસી, મોપેડ, ઇલેક્ટ્રિક બાઇક ૩.૯૫ લાખ આપ્યા હતા. જાેકે, આ કોઇ વસ્તુ કૃણાલને આપી ન હતી. આમ, સોનાની લગડી અને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુના મળી ૨૩.૪૫ લાખ કૃણાલને ગજાનંદ પાસે લેવાના બાકી નીકળે છે. આ ઉપરાંત, તેના ૫ મિત્રો પણ ગજાનંદની જાળમાં ફસાઇ ગયા હતા. તેઓને પણ સસ્તામાં સોનાની લગડી, મોપેડ, આઇફોન, ઇલેક્ટ્રોનિક્સ સામગ્રી અપાવવાનું કહી ૧૨થી વધુ લોકો પાસેથી ૨.૬૫ કરોડ પડાવી લીધા હતા.
ક્રાઇમ બ્રાંચમાં કૃણાલે ફરિયાદ આપી હતી. દરમિયાન ઇકો સેલે આ ગુનામાં ગજાનંદ પ્રભાકર સાકરવાલાની ધરપકડ કરી હતી.
ગજાનંદ પાસે અગાઉ ઉમરા પોલીસ મથકમાં ઠગાઇનો ગુનો નોંધાઇ ચૂક્યો છે. તે સમયે પણ ઇલેક્ટ્રોનિક્સ સામગ્રી સસ્તામાં અપાવવાના બહાને લોકોને ઝાંસો આપ્યો હતો. હાલ તો સમગ્ર મામલે પોલીસે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી કાર્યવાહી હાથ ધરી છે.