રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુધ્ધને ૫૦૦ દિવસ થઈ ગયા છે. બંને દેશોમાંથી એક પણ મચક આપી રહ્યો નથી.યુધ્ધ ક્યારે પૂરુ થશે તે અંગે કોઈ છાતી ઠોકીને કહી શકે તેમ નથી.આવા સંજાેગોમાં રશિયાના બે મીડિયા આઉટલેટે જર્મનીના ડેટા સાયન્ટિસ્ટસ્ સાથે મળીને કરેલા સર્વેમાં દાવો કર્યો છે કે, આ યુધ્ધમાં અત્યાર સુધીમાં રશિયાના ૫૦૦૦૦ જવાનો માર્યા ગયા છે. જ્યારે રશિયાની સરકારનુ કહેવુ છે કે, રશિયાના ૬૦૦૦ જવાનો યુધ્ધમાં માર્યા ગયા છે.આ સ્ટડી પ્રમાણે ૨૦૨૨માં ફેબ્રુઆરી મહિનામાં યુધ્ધ ભડક્યુ હતુ અને ૨૦૨૨માં ૨૫૦૦૦ સૈનિકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.
૨૦૨૩માં આ આંકડો હવે ૫૦૦૦૦ સુધી પહોંચ્યો છે. જેમાં અલગ અલગ વયના સૈનિકો સામેલ છે.જે મીડિયા આઉટલેટ દ્વારા આ સ્ટડી કરાવવામાં આવ્યો છે તે પૈકીના એકને રશિયા ફોરેન એજન્ટ હોવાનુ કહી રહ્યુ છે. જાેકે આ સ્ટડી અને અગાઉ થયેલા દાવા અલગ અલગ છે. ફેબ્રુઆરી મહિનામાં બ્રિટને કહ્યુ હતુ કે, રશિયાના ૪૦૦૦૦ થી ૬૦૦૦૦ સૈનિકોના મોત થયા છે જ્યારે અમેરિકન સુરક્ષા એજન્સીઓએ ૩૫૦૦૦ થી ૪૩૦૦૦ સૈનિકો મર્યા હોવાનુ કહ્યુ હતુ. જ્યારે વ્હાઈટ હાઉસે મે મહિનામાં કહ્યુ હતુ કે, ડિસેમ્બર ૨૦૨૨થી મે ૨૦૨૩ વચ્ચે ૨૦૦૦૦ રશિયન સૈનિકો મોતને ભેટ્યા છે.