આજરોજ ડીસા નગરપાલિકા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખી ડીસા આદર્શ હાઇસ્કૂલ પાછળ આવેલા મકાનોના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ દૂર કરતી વખતે ગરીબ પરિવારોના આંખોમાં આંસુ જાેવા મળ્યા હતા અને પોતાનું રહેણાંક મકાન ન તોડવા માટે નગરપાલિકાના અધિકારીઓ સામે આજીજી કરતા દ્રશ્યો જાેવા મળ્યા હતા.ડીસા નગરપાલિકા દ્વારા શહેરના વિકાસ માટે છેલ્લા ઘણા સમયથી અનેક વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે, ખાસ કરીને શહેરી વિકાસ માટે નવા રોડ ભૂગર્ભ ગટર અને લાઈટોની વ્યવસ્થા શહેરી વિસ્તારને મળી રહે તે માટે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ નગરપાલિકા દ્વારા કામો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ડીસા શહેરના આદર્શ હાઇસ્કૂલ પાછળ આજે ડીસા નગરપાલિકા દ્વારા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.આજે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર પંકજ બારોટ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખી સવારથી જ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ડીસા આદર્શ સ્કૂલ પાછળ નવો ૪૦ ફૂટ રસ્તો બનાવવા માટે નગરપાલિકા દ્વારા કવાયત હાથ ધરવામાં આવતા જ અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા હતા. આ પરિવારો છેલ્લા ૪૦ વર્ષથી મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાત ચલાવી અહીં વસવાટ કરતા હતા, ત્યારે ડીસા નગરપાલિકા દ્વારા આ તમામ પરિવારોને દબાણ હટાવવાની નોટિસ આપવામાં આવી હતી. આ પરિવારો પોતાનું દબાણ ન તોડવા માટે ડીસા નગરપાલિકા, ડીસા નાયબ કલેક્ટર, જિલ્લા કલેક્ટર, ગાંધીનગર સહિત હાઇકોર્ટમાં પણ રજૂઆત કરી હતી. તેમ છતાં પણ આ પરિવારને ઘર છોડવા માટે મજબૂર બનવું પડ્યું હતું.નગરપાલિકા ટીમ દ્વારા આ તમામ પરિવારોના મકાનો પર જેસીબી મશીન ફરતાની સાથે જ તમામ લોકોની આંખોમાં આંસુ જાેવા મળ્યા હતા. મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા આ પરિવાર હાલ ઘરવિહોણા બન્યા છે. હાલમાં આ પરિવારો પાસે ન તો રહેવા માટે મકાન છે કે ન તો મજૂરી કરવા માટે કોઈ વ્યવસાય. આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે હાલ આ પરિવારો પોતાના બાળકો સાથે રોડ પર રડતી આંખોએ જાેવા મળ્યા હતા. આ તકે પોતાના પરિવારને રડતા જાેઈને અને પોતાનું મકાન પડતા જાેઈને બાળકોની પણ આંખોમાં આંસુ આવી ગયા હતા.
આ તકે આ પરિવારજનો પોતાના ઘરની આગળ નીચે બેસી ગયા હતા. આ તકે નગરપાલિકાની ટીમ અને સ્થાનિક લોકો સામસામે આવી ગયા હતા અને હંગામો સર્જાયો હતો. જે બાદ પોલીસ દ્વારા દબાણ ન તોડવા હંગામો કરનાર પરિવારના સભ્યોની અટકાયત કરવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે હાલ આ પરિવારો એક જ માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે તેમને રહેવા માટેની કોઈ વ્યવસ્થા કરી આપવામાં આવે.આ બાબતે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા વર્ષોથી જ આ વિસ્તારમાં ૪૦ ફૂટ રોડ બનાવવાની લોકોની માંગણી હતી તેને ધ્યાને લઈ આજે આ તમામ પરિવારોના મકાનો તોડવામાં આવ્યા છે અને તે બાદ અહીંયા ૪૦ ફૂટનો નવો રોડ બનાવવામાં આવશે.