ખોખરા વિસ્તારમાં આવેલા પરિષ્કાર એપાર્ટમેન્ટમાં રહેતા મહર્ષિ શાહે મણીનગર પોલીસ સ્ટેશનમાં હેમાંગ પંચાલ (મહાલક્ષ્મી એપાર્ટમેન્ટ, મણિનગર) વિરુદ્ધ ચીટિંગની ફરિયાદ કરી છે. મહર્ષિ શાહે ત્રણ મહિના પહેલાં મિત્રો સાથે હરિદ્વાર, ઋષિકેશ દર્શન કરવા માટે જવાનો પ્લાન બનાવ્યો હતો જેથી તેમણે મણીનગર ખાતે એચ.એસ.હોલિડેઝ નામની ટૂર એન્ટ ટ્રાવેલ્સની કંપની ધરાવતા હેમાંગ પંચાલનો સંપર્ક કર્યો હતો. મહર્ષિ શાહ ફેસબુક પર સર્ચ કરતા હતા ત્યારે તેમને એચ.એસ.હોલિડેઝની વિગતો મળી હતી. મહર્ષિએ ૩૮ લોકોનું પેકેજ નક્કી કર્યું હતું.
જેમાં પુખ્તવયના લોકોની ૧૩,૩૧૧ રૂપિયા ટિકિટ અને બાળકોની ૯,૭૬૦ રૂપિયા ટિકિટ હતી.
૨૬ મેથી ૧ જૂન સુધી ટૂરમાં જવાનું હતુ જ્યારે મહર્ષિએ તમામ ડોક્યુમેન્ટ જમા કરાવી દીધા હતા. ૨૬મીના સવારથી હેમાંગે મહર્ષિના ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. મહર્ષિ હેમાંગની ઓફિસ ગયો ત્યારે તેની ઓફિસ પણ બંધ હતી. મહર્ષિએ આ મામલે ઓનલાઇન ચેક કર્યું તો હેમાંગે તમામની ફ્લાઇટનું બુકિંગ કેન્સલ કરાવી દીધું હતું જ્યારે ટ્રેનની ટિકિટ પણ કેન્સલ કરાવી દીધી હતી. ટૂર રદ થતાં મહર્ષિ સહિતના તમામ સભ્યોએ એક થઇને મણિનગર પોલીસ સ્ટેશનમાં હેમાંગ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. મણીનગર પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.