પ્રગટેશ્વર ધામ આછવણીમાં પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારની શિવપૂજા, લઘુરુદ્ર યજ્ઞ તેમજ સત્યનારાયણ ભગવાનની કથા એમ ત્રિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી હતી. ધર્માંચાર્ય પરભુદાદા અને રમાબાના સાનિધ્યમાં યોજાયેલા આ કાર્યક્રમોમાં કાશી માર્કેન્ડેય મહાદેવ મંદિરના મહંત શ્રી મહેશ્વરનંદજી મહારાજ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પ્રગટેશ્વર દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ ઉજવણી અંતર્ગત વહેલી સવારે લઘુરુદ્ર યજ્ઞમાં સુરતના હિતેશભાઈ ચૌહાણ અને તેમના પરિવારે આહુતિ આપી ભગવાન શિવની આરાધના કરવા ઉપરાંત અન્નદાન પણ કર્યું હતું. આ શુભ અવસરે આયોજિત એક કુંડી લઘુરુદ્રયજ્ઞની વિધિ પ્રગટેશ્વર ધામના ગોર મહારાજ કશ્યપભાઈ જાની સહિત ચિંતનભાઈ જોષીએ વૈદિક મંત્રોચ્ચાર સાથે સંપન્ન કરાવી હતી, જ્યારે મહારાષ્ટ્ર શિવ પરિવારના શિવભક્તો આયોજિત સત્યનારાયણ ભગવાનની કથા ચિંતનભાઈ જોશીએ સંપન્ન કરાવી હતી. આ અવસરે ભગવાન શિવની પાલખી યાત્રા પણ યોજવામાં આવી હતી, જેમાં અનેક શિવભક્તો શ્રદ્ધાપૂર્વક જોડાયા હતા અને હર હર મહાદેવ તેમજ ૐ નમઃ શિવાયના નાદથી સમગ્ર વાતાવરણ શિવમય બનાવી દીધું હતું.
પ્રગટેશ્વર સેવા સમિતિ મહિલા મંડળના અંજુબેન પટેલના માર્ગદર્શન હેઠળ શિવ પરિવારની મહિલાઓએ ઈશ્વરભાઈ ગજ્જર લિખિત મનમોહક ગરબો રજૂ કર્યો હતો. આ ગરબો નિહાળી સૌ મંત્રમુગ્ધ બન્યા હતા અને રોકડ ઇનામો આપ્યા હતા. ભુલા ફળીયા નવસારીના ભજનિકોએ ખૂબ સુંદર ભજનો રજૂ કરી ભક્તોને શિવજીના રંગમાં રંગી દીધા હતા.પ્રગટેશ્વર સેવા સમિતિ દ્વારા વિધવા મહિલાઓને સ્ટીલની થાળીનું વિતરણ કરાયું હતું. પારડીના ભરતભાઇ દેસાઈ અને મીનાબેન દેસાઈ દ્વારા શાળાની વિદ્યાર્થીનીઓને નોટબુકનું વિતરણ કરાયું હતું.ઉલ્લેખનીય છે કે, અહીં સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ૨૪ કલાક ૐ નમઃ શિવાયની અખંડ ધૂન ચાલુ રહે છે, જેમાં સમગ્ર શિવ પરિવારના શિવભક્તો ઉમંગભેર ભાગ લઈ ભગવાન શિવના આશીર્વાદ મેળવે છે, આ ધૂનમાં સહભાગી બનવા પ્રગટેશ્વર સેવા સમિતિનો સંપર્ક સાધવાનો રહેશે. દર સોમવારે શિવલિંગનો વિવિધ પ્રકારે શણગાર કરવામાં આવે છે.આ શુભ અવસરે ધર્માંચાર્ય પરભુદાદાએ સૌને સુખી અને સમૃધ્ધ જીવનના આશીર્વાદ પાઠવતાં જણાવ્યું હતું કે, સમગ્ર પૃથ્વીનો નથાય તો પણ કાશી, દ્વારીકા, રામેશ્વરમ, કેદારનાથ, બદ્રીનાથ જેવા તીર્થોનો કદી નાશ થતો નથી, આ તીર્થોમાં પિતૃઓનું સ્મરણ કરવા માત્રથી મુક્તિ મળે છે. શાસ્ત્રોમાં પણ કાશી તીર્થનું અનેકગણું મહત્ત્વ દર્શાવવામાં આવેલું છે. તમારા પુણ્ય પ્રતાપે અહીં આવ્યા છો, ત્યારે ભગવાન શિવ તમારી મનોકામના પૂર્ણ કરશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.
સનાતન ધર્મ યુગોયુગથી ચાલી આવે છે, તે હંમેશને માટે સત્ય રહેશે, તેને કોઈ પણ મિટાવી શકશે નહીં તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. આજે હનુમાનજી, ભગવાન શ્રીરામ અને સાવિત્રીબાઈ ફૂલેના સુંદર પાત્રો રજૂ કર્યા તેમને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિમાં સુષુપ્ત શક્તિ સમાયેલી છે, જેને બહાર લાવવા તેમને પ્રોત્સાહન આપવા તક આપવી જરૂરી છે. આગામી દિવસોમાં કેદારનાથ અને બદ્રીનાથમાં યજ્ઞ કરવા જઈ રહ્યા છીએ, ત્યાં સ્તકર્મો કરવાથી અનેકગણું ફળ મળે છે, જેથી સૌને તેમાં ભાગ લેવા અનુરોધ કર્યો હતો. આજે પદયાત્રા કરીને આવેલી શિવ પરિવારની સંગીતાબેન પટેલની શિવભક્તિને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે, પગપાળા શિવજીના દર્શને આવનારા વ્યક્તિને દરેક પગલે શિવની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે.પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારની ઉજવણીમાં પ્રગટેશ્વર ધામ આછવણીના પ્રમુખ બીપીનભાઈ પરમાર, મહિલા પ્રમુખ સીતાબેન પટેલ, મંત્રી અમિતભાઇ પટેલ, ખજાનચી હેમંતભાઈ પટેલ, સહિત શિવ પરિવારના અપ્પુભાઈ પટેલ, વિનોદભાઈ પટેલ, મયંકભાઈ બ્રહ્મભટ્ટ, કૃપાશંકર યાદવ, વિપુલભાઈ પટેલ, પ્રવીણભાઈ પટેલ તેમજ ગુજરાત-મહારાષ્ટ્ર શિવપરિવાર, ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ભગવાન શિવની આરાધના કરી હતી.