પંચમહાલ જિલ્લાની પંચામૃત ડેરીએ દૂધના ફેટના ભાવમાં વધારો કર્યો છે. પશુપાલકોના હિતને જાેતા પંચામૃત ડેરીએ દૂધના ફેટના ભાવમાં કિલો ફેટે ૨૦ રૂપિયાનો વધારો કર્યો છે. આ નવા ભાવ સાથે પશુપાલકોને કિલો ફેટ દીઠ રૂપિયા ૮૨૦ ચૂકવવામાં આવશે. આ ભાવ વધારો ૨૧મી ઓગષ્ટથી અમલી બનશી. આ ભાવવધારાથી પંચમહાલ સહિત, મહીસાગર અને દાહોદના હજારો પશુપાલકોને ફાયદો થશે.
પંચમહાલ ડેરીની ૫૦મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. જેમા દાહોધના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, ઝાલોદના ધારાસભ્ય મહેશભાઈ ભૂરિયા, લુણાવાડાના માજી ધારાસભ્ય કાળુભાઈ માલીવાડ, અમૂલ ફેડરેશનના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતા, દૂધ સંઘના નિયામક મંડળના સભ્યો, સભાસદો, મંડળીના ચેરમેન, સેક્રેટરીઓ સહિતના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
ડેરીની સાધારણ સભા દરમિયાન દૂધ સંઘના મેનેજિંગ ડિરેક્ટર મિતેષ મહેતાએ સભાને સંબોધી હતી. ત્યારબાદ અધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે જાહેર સભાને સંબોધન કર્યુ હતુ. જેમા તેમણે તેમના ૧૪ વર્ષના કાર્યકાળ દરમિયાન સૌના સાથ સહકાર થકી થયેલા વિકાસકામોનો ચિતાર રજૂ કર્યો હતો. સાથે જ ચેરમેને જણાવ્યુ હતુ કે દૂધ ઉત્પાદનમાં પાંચ ગણો વધારો કરી વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન દૈનિક દૂધ સંપાદન ૨૦ લાખ ૫ હજાર કિલો થયુ છે. જે વાર્ષિક ૭૩ કરોડ ૧૭ લાખ કિલો દૂધ સંપાદન થયુ છે અને સરેરાશ દર ૧૦ દિવસે રૂપિયા ૯૦ કરોડનું ચુકવણુ કરવામાં આવ્યુ છે.
છેલ્લા ૧૪ વર્ષમાં દૂધ ઉત્પાદકોને ત્રણ ગણુ વધારે વળતર ચૂકવતા વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન સરેરાશ પ્રતિ કિલો ફેટના રૂપિયા ૮૮૩ ચૂકવ્યા હતા. દૂધ સંઘના ટર્ન ઓવરમાં ૧૪ વર્ષમાં ૧૧ ગણા વધારા સાથે અને ગત વર્ષ કરતા ૨૯% વધારા સાથે દૂધ સંઘનું વર્ષ ૨૦૨૨-૨૩નું ટર્ન ઓવર રૂપિયા ૪૧૫૪ કરોડ થયુ છે. દૂધ સંઘનો નફામાં ગત વર્ષની સરખામણી કરતા ૩૨% વધારો થવા સાથે વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન દૂધ સંઘનો ચોખ્ખો નફો રૂપિયા ૨૦ કરોડ ૦૨ લાખ થયો છે. ૨૦૨૨-૨૩માં મહત્તમ ૧૫% ડિવિડન્ટ ચૂકવવા અંગેની જાહેરાત કરવામાં આવી.
અધ્યક્ષ જેઠા ભરવાડે કિલો ફેટે રૂપિયા ૨૦નો ભાવવધારો કરી ગુજરાતમાં દૂધનો ભાવ રૂપિયા ૮૨૦ કરવામાં આવ્યો. આ જાહેરાત સાથે દૂધ મંડળીના સભાસદોમાં ઉત્સાહની લાગણી પ્રસરી છે.