સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત વડોદરા જિલ્લાના દુમાડ અને અલવા ગામની મોડેલ વિલેજ તરીકે પસંદગી થઇ છે. આ પસંદગી થતાં કેન્દ્ર સરકારના અધિકારી શ્રી કરણજીત સિંઘે આ બન્ને ગામોની રૂબરૂ મુલાકાત લઇ સરકારની યોજનાના કારણે ગ્રામ્ય વિસ્તારમાં આવેલા ગુણાત્મક પરિવર્તનની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.
પેયજળ અને સ્વચ્છતા મંત્રાલયના નિર્દેશક શ્રી કરણજીત સંઘે તેમની મુલાકાત દરમિયાન દુમાડ અને અલવા ગામે ઘન અને પ્રવાહી કચરા વ્યવસ્થાપનની તમામ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. અલવા ગામમાં આપોલો ટાયર્સ, એલ એન્ડ ટી, હરસિદ્ધિ કો-ઓપરેશન તેમજ ગ્રામપંચાયતના સહયોગથી ઘન અને પ્રવાહી કચરાનું સૂચરું કાર્ય કરવામાં આવી રહ્યું છે. આમ સ્વચ્છતાની દ્રષ્ટિએ અલવા ગામ સુંદર અને સ્વચ્છ છે.
દુમાડ ગ્રામ પંચાયતમાં ૨૦૧૭થી ઘન કચરાનું સૂચરું કાર્ય કરવામાં આવે છે. જેમાં કચરે સે આઝાદી ફાઉન્ડેશન અને ગ્રામ પંચાયતના સહયોગથી ઘરે ઘરે કચરા કલેક્શનનું કામ થાય છે. આ કામ માટે ૬ શ્રમયોગીઓ કાર્યરત છે. જેમના દ્વારા કચરો એકત્ર કરી સેગ્રિગેશન શેડ પર લાવવામાં આવે છે. જ્યાં ભીના કચરાને કંપોસ્ટરમાં નાખી તેનું ખાતર બનાવવામાં આવે છે અને સૂકા કચરામાંથી પ્લાસ્ટિકને અલગ કરી જે પ્લાસ્ટિક રિસાયકલ થઈ શકે તેવા પ્લાસ્ટિકને બેસ્ટ વસ્તુ બનાવનાર કંપનીને આપવામાં આવે છે. ઉપરાંત અહીંયા એક નવો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં એક કિલો પ્લાસ્ટિક લઈને આવનાર વ્યક્તિને કિલો પેઠે રૂ. ૧૦ આપવામાં આવે છે.
લોકોના વર્તણૂકમાં સારો બદલાવ આવે હેતુસર ઘરેથી પ્લાસ્ટિકનો કચરો અલગ કરીને આપનાર ઘરને પ્રોત્સાહન તરીકે સાબુ અથવા તો શાકભાજી આપવામાં આવે છે. જાહેર માર્ગો અને જાહેર સ્થળોની સફાઈ માટે ૨૨ સ્વચ્છતાકર્મીઓ રાખેલ છે. જેમને મહેનતાણું દુમાડ ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવે છે. આમ ડાયરેક્ટર શ્રી કરણજીત સીંઘ દ્વારા દરેક સ્થળોની મુલાકાત કરવામાં આવી અને ઘન અને પ્રવાહી કચરા વિષે ઝીણવટ પૂર્વક ચર્ચા કરી સ્વચ્છતાના કર્યો માટે શુભેચ્છા પાઠવવામા આવી હતી.આ મુલાકાત વેળાએ જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી ગોપાલ બામણીયા, નોડલ ઓફીસર ડો. સુધીર જોષી, જિલ્લા પંચાયતના ચીટનીશ શ્રી ભરત ચૌધરી, ગાંધીનગરના નાયબ ચીટનીશ શ્રી ચીરાગ ગઢવી પણ જોડાયા હતા.