ચોમાસાની ઋતુ શરૂ થતાની સાથે જ વિવિધ પ્રકારના રોગચાળામાં સતત ઉછાળો જાેવા મળી રહ્યો છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો બાદ હવે કંજંક્ટિવાઇટિસના રોગમાં વધારો જાેવા મળી રહ્યો છે.
સુરત સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓમાંથી ૪૦% જેટલા દર્દીઓની આંખમાં ઇન્ફેક્શન જાેવા મળી રહ્યું છે. સતત વધી રહેલા કંજંક્ટિવાઇટિસ બીમારીના કારણે ડોક્ટરો પણ સાવચેત રહેવા માટે જણાવી રહ્યાં છે.
છેલ્લા પખવાડિયાથી સુરત શહેરમાં કંજંક્ટિવાઇટિસ (આંખ આવવા)નો વાવર દેખાઈ રહ્યો છે. આંખના રોગના નિષ્ણાંત ડૉ.ઈશા પટેલના કહેવા મુજબ શહેરમાં કંજંક્ટિવાઇટિસના કેસ ૪૦ ટકા જેટલા વધ્યા છે. એડીનો વાયરસ, ઇકો વાયરસ, કોકાઈ વાયરસ અને ફ્લૂ જેવા ઘણા વાયરસથી કંજંક્ટિવાઇટિસ થાય છે. હાલ મોટી ઉંમરના લોકોની સાથે બાળકોમાં આ બીમારી જાેવા મળી રહી છે. જેના લક્ષણો અર્થાત ક્લિનીક પેટર્ન જાેતા ‘એડીનો વાયરસ’ના ચેપને કારણે કંજંક્ટિવાઇટિસના કેસ વધ્યા હોવાનું જણાઈ રહ્યું છે.
તેમણે જણાવ્યું કે, ‘એડીનો વાઈરસ’ને કારણે શરદી, ખાંસી, તાવ, ઝાડા અને આંખનો ચેપ થાય છે. બીજા વાયરસની તુલનામાં ‘એડીનો વાયરસ’ને કારણે થતું કંજંક્ટિવાઇટિસ વધારે ગંભીર હોય છે.
એર બોર્ન ડ્રોપલેટ્સ એટલે કે ખાંસી કે છીંક ખાતી વખતે એ કફ સાથે હવામાં ફેંકાતા કણો અને ડાયરેક્ટ કોન્ટેક્ટથી ફેલાતો હોઈ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવનારા ૯૦ ટકા લોકોને કંજંક્ટિવાઇટિસનો ચેપ લાગવાની શક્યતા રહેલી છે. શહેરમાં કંજંક્ટિવાઇટિસનો ચેપ ખૂબ જ ઝડપથી પ્રસરી રહ્યો છે.
સુરત શહેરના સિવિલ હોસ્પિટલમાં હાલ ચોમાસા દરમિયાન રોજિંદી ૩૦૦ જેટલી આંખ વિભાગ પાસે ઓપીડી આવે છે, જેમાંથી ૪૦% એટલે કે ૧૦૦થી વધુ દર્દીઓ કંજંક્ટિવાઇટિસ રોગના જાેવા મળી રહ્યા છે. છેલ્લા ૧૫ દિવસથી આ બીમારીના દર્દીઓની સંખ્યામાં સતત વધારો જાેવા મળી રહ્યો છે. જેના કારણે ત્યાં એવી ગેરમાન્યતા છે કે કોઈકની આંખોમાં જાેવાથી આ રોગ થઈ શકે છે જે વાત તદ્દન ખોટી હોવાનું પણ ડોક્ટર જણાવી રહ્યા છે.આંખ રોગના નિષ્ણાંત ડૉ.ઈશા પટેલના જણાવ્યા અનુસાર, પિંક આઈઝ તરીકે ઓળખાતી આ બીમારીમાં જાે ચેપ તીવ્ર હોય તો આંખના પારદર્શક પટલ કે આંખને હાનિ થઈ શકે છે. છતાં જાે તકેદારી રાખવામાં આવે તો શરદીની જેમ ખાસ ટ્રીટમેન્ટ વિના થોડા દિવસોમાં તેમાંથી રાહત મળી શકે છે.