ગુજરાતને ટકાઉ વિકાસ જાેઈએ…. રાજ્યમાં ભ્રષ્ટાચારના ભારમાં પુલોની હાલત ખરાબ થઈ રહી છે. છેલ્લા ઘણા સમયથી લોકાર્પણ પહેલાં કે લોકાર્પણના ગણતરીના વર્ષોમાં પુલો ખખડધજ કે ધરાશાયી થઈ રહ્યાં છે. તાપીમાં તો લોકાર્પણ પહેલાં જ પુલ ધરાશાયી થયો હતો. આ એક ઘટના નથી આખું લિસ્ટ છે. ૨૦૧૮ ના વર્ષમાં સીઆરઆરઆઈનો એક રિપોર્ટ આવ્યો હતો. જેમાં ગુજરાત ખરાબ પુલોમાં પ્રથમ નંબરે હતું. સામાન્ય પુલનું આયુષ્ય ૧૦૦ વર્ષ હોય છે. પરંતુ નવાઈની વાત એ છે કે, ૨૮૧માંથી ૨૫૩ પુલ ફક્ત એ સમયે ૫થી ૭ વર્ષ જ જૂનાં હતા. એ રિપોર્ટમાં એવા ખુલાસા હતા કે, ખરાબ મટીરિયલને કારણે અનેક પુલના નીચેના તળિયાનો ભાગ ખખડી ગયો છે. કોક્રીટ પણ ખરવા લાગ્યું છે. એ વાતને તો વર્ષો વિતી ગયા પણ હવે ફરી રિપોર્ટ બને અને ભાજપની વિકાસશીલ સરકારની આબરૂની ધૂળધાણી થાય એ પહેલાં સરકારે ભ્રષ્ટાચારના ભારથી દબાતા આ પુલોનો સરવે કરવાની ચોક્કસ જરૂર છે નહીં તો એક દિવસ ભારે પડશે કારણ કે મોરબી બ્રિજની દુર્ઘટના લોકો હજુ ભૂલ્યા નથી.
ભ્રષ્ટાચારના ભારમાં દબાયેલા ગુજરાતના અન્ય બ્રિજ
અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ
અમદાવાદમાં વિશાલા પાસે શાસ્ત્રી બ્રિજ
વડોદરામાં અટલ બ્રિજ પર તિરાડો
વડોદરાના પાદરામાં બ્રિજ જર્જરિત
વેડ-વરિયાવ બ્રિજ બેસી ગયો
અમરેલી સાવરકુંડલામાં બ્રિજ બેસી ગયો
આણંદમાં બ્રિજ બેસી જવાની ઘટના
વલસાડનો સંજાણ બ્રિજ જર્જરીત
રાજકોટ-ગોંડલ ચોકડી પર
બનેલો બ્રિજ જર્જરિત
અમદાવાદ-ઉદયપુર નેશનલ હાઈવે બ્રિજ જર્જરિત
અંબાજી હાઈવે પર બ્રિજ જર્જરિત
તાપીના મીંઢોળા નદી પર બનેલો બ્રિજનો સ્લેબ તૂટ્યો
એક તરફ સરકાર રામ મંદિર બનાવવાની વાતો કરે છે. વિદેશી મહેમાનોને સ્ટેચ્યુ ઓફ યુનિટી બતાવવા બોલાવે છે. પરંતુ ગુજરાતીઓને ટકાઉ બ્રિજ આપી શક્તી નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં નવા બની રહેલા બ્રિજમાં વિકાસને બદલે ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે. આ બ્રિજના ખરતા કાંગરા સરકારની પોલ ખોલી રહ્યાં છે. તંત્ર અને બ્રિજ કોન્ટ્રાક્ટરની મિલીભગતને ખુલ્લી પાડે છે.
કેટલાક બ્રિજના લોકાર્પણ પહેલાં જ તિરાડો દેખાય છે, તો કેટલાકના લોકાર્પણના એક મહિનામાં જ ગાબડા દેખાય છે. સાથે જ બ્રિજની રેલિંગ પણ ગમે ત્યારે ધરાશાયી થઈ જાય તેવો ડર લાગે છે. સરકારને એમ પૂછવુ છે કે, ગુજરાતીઓએ આવો વિકાસ તો નહોતો માંગ્યો. શું તમે રાજ્યની પ્રજાને ટકાઉ બ્રિજ પણ નથી આપી શક્તા. ભ્રષ્ટાચારી બ્રિજ આપતા સરકારને તેના પર સમારકામ કરવામાં અને ઢાંકપિછોડો કરવામાં પણ શરમ આવતી નથી.
જાે બે જ મહિનામાં પુલ તૂટી જવાના હોય કે, જર્જરિત જેવા થઈ જવાના હોય તો પુલ બનાવવા જ કેમ. આ પુલ સરકારના ભ્રષ્ટાચારની પોલ ખોલે છે. સુરતમાં ૧૧૮ કરોડ રૂપિયાના ખર્ચે બનેલો બ્રિજ એક જ મહિનામાં બેસી જતાં ચકચાર મચી ગઈ છે. જી હા, કૌભાંડીઓના કૌભાંડનો ફુગ્ગો પહેલા વરસાદમાં જ ફૂટી ગયો છે.
એક મહિના પહેલાં સુરતના આ બ્રિજને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલી ખુલ્લો મુક્યો હતો. પરંતું પહેલા વરસાદમાં જ વેડ-વરિયાવ બ્રિજનો એક ભાગ બેસી ગયો છે. પહેલાં જ વરસાદમાં તંત્રની પ્રામાણિકતા અને ઈમાનદારીના ધજાગરા ઉડી ગયા છે. બ્રિજ સેલના અધિકારીઓએ ભ્રષ્ટાચાર કર્યો હોવાની ચર્ચા છે. ૧૧૮ કરોડ રૂપિયા કોના ખિસ્સામાં સમાયા તે એક મોટો સવાલ છે.