રહેવાય પણ નહીં સહેવાય પણ નહીં, આ ઉક્તિને સાર્થક કરતો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં પતિ-પત્ની વચ્ચે ઉંદર-બિલાડી જેવો સંબંધ જાેવા મળ્યો છે. મહેસાણાના કડીની મહિલાએ છેલ્લા ૧૦ વર્ષમાં પતિને સાત વખત ઘરેલુ હિંસાનો આક્ષેપ કરીને જેલમાં મોકલ્યો છે. રસપ્રદ વાત તો એ છે કે, પતિને જેલ મોકલતી પત્ની જ દર વખતે તેની જામીનદાર બનીને તેને જામીન પર છોડાવતી હતી. જાેકે, આ દંપતી વચ્ચે શરૂઆતથી જ ઝઘડો હતો એવું નથી. પાટણના પ્રેમચંદ માળીએ મહેસાણાની સોનુ માળી સાથે ૨૦૦૧માં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તેઓ કડીમાં સ્થાયી થયા હતા. શરૂઆતમાં તો બંનેનું લગ્નજીવન શાંતિપૂર્ણ રીતે ચાલતું હતું પરંતુ ૨૦૧૪થી મતભેદો ઊભા થયા હતા.
સોનુએ ૨૦૧૫માં પ્રેમચંદ સામે ઘરેલુ હિંસાનો કેસ નોંધાવ્યો હતો. એ વખતે કોર્ટે દર મહિને ૨૦૦૦ રૂપિયા ભરણપોષણ પેટે સોનુને આપવાનો આદેશ કર્યો હતો. રોજમદાર મજૂર પ્રેમચંદ કથિત રીતે ૨૦૧૫માં ભરણપોષણની રકમની ચૂકવણી ના કરી શક્યો, જેથી તેની સામે અરેસ્ટ વોરંટ ઈશ્યૂ કરવામાં આવ્યું હતું. બાદમાં પ્રેમચંદની ધરપકડ કરવામાં આવી અને તેણે પાંચ મહિના જેલમાં કાઢ્યા હતા. પ્રેમચંદના પરિવારમાં બીજું કોઈ નથી એટલે સોનુ તેની જામીનદાર બનીને આવી અને તેને જામીન પર મુક્ત કરાવ્યો હતો. સોનુ અને પ્રેમચંદ કાયદાકીય રીતે અલગ થઈ ગયા હોવા છતાં બંને સાથે જ રહેતા હતા અને તેમની વચ્ચે અવારનવાર ઝઘડા થતાં હતાં.
આ કેસના લીગલ દસ્તાવેજાે પ્રમાણે, સોનુએ ૨૦૧૬થી ૨૦૧૮ વચ્ચે દર વર્ષે ઘરેલુ હિંસાના આક્ષેપ લગાવીને પ્રેમચંદને જેલ ભેગો કર્યો હતો. દર વખતે સોનુએ જ તેને જામીન અપાવ્યા હતા. ૨૦૧૯ અને ૨૦૨૦માં બેવાર પ્રેમચંદ ખાધાખોરાકી ના આપી શક્યો અને પરિણામે વધુ બેવાર જેલ ગયો હતો. ફરી એકવાર સોનુ તેના માટે દેવદૂત બનીને આવી અને જેલમાંથી છોડાવ્યા. જે બાદ બંને ફરીથી સાથે રહેવા લાગ્યા હતા. ૨૦૨૩ની શરૂઆતમાં એવું લાગી રહ્યું હતું કે, બંને વચ્ચેના સંબંધો સુધરી રહ્યા છે ત્યારે જ ભયાનક વળાંક આવ્યો. પ્રેમચંદ વારંવાર ખાધાખોરાકીનો ખર્ચ ચૂકવવામાં બેદરકારી રાખતો હતો અને તેના લીધે જ ફરી એકવાર તે જેલ પહોંચ્યો હતો. સોનુ ફરીથી તેની વ્હારે આવી અને ૪ જુલાઈએ તેને જેલમાંથી છોડાવ્યો. જે બાદ બંને કડી સ્થિત તેમના ઘરે પાછા ફર્યા હતા.