રવિવાર: સુરત શહેરના અબ્રામા, મોટા વરાછા સ્થિત ગોપીન ગામ ખાતે કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખભાઈ માંડવીયાના અઘ્યક્ષ સ્થાને પાલીતાણા તાલુકા સામાજીક સમરસતા મંચ – સુરત આયોજીત ‘જન્મભૂમિનું જતન’ કાર્યક્રમ થકી વિચારોનું વાવેતર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ગામડાના ભૌતિક વિકાસની સાથે ગામનું શહેર સાથે જોડાણ થાય તે હેતુ વ્યક્તિમાં પોતીકાપણાના ભાવ સાથે થયેલ કાર્યમાં હંમેશા સફળતા જ મળતી હોય છે એમ કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું હતું. પ્લાસ્ટિક તેમજ ગાંડા બાવળ મુક્ત ગામડાઓ બને અને અમૃત સરોવર થકી ગામડાઓના કુવા રિચાર્જ થાય તેવા ઉમદા હેતુંથી ગામડાનો વિકાસ કરવો આવશ્યક છે. સમૃધ્ધ ગામડાના નિર્માણ માટે સૌને પોતીકાપણાના ભાવ સાથે કાર્ય કરવા અનુરોધ કર્યો હતો.જે સમાજ, સંસ્થા કે વ્યક્તિ પોતાની વિરાસત માંથી પ્રેરણા નથી લેતા તેનું ભવિષ્ય અનિશ્વિત થઈ જતું હોય છે. આપણા ગામડાની વિરાસત છે.ખેતીના કાર્યમાં સહભાગી બનીને કામ થઈ રહ્યું છે. ઈચ્છાશક્તિથી વિચારોનું વાવેતર કરીને જન્મભુમીનું જતન કરવું એ જ સાચી વિરાસત છે એમ મંત્રીશ્રી એ ઉમેર્યું હતું.
આ અવસરે ધારાસભ્યશ્રી કિશોરભાઈ કાનાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં હવે ફાર્મા ક્ષેત્રે આપણે આત્મનિર્ભર બન્યા છીએ. આરોગ્ય ક્ષેત્રે ભારત આત્મનિર્ભર બન્યું છે. વિશ્વભરમાં ભારતે બેસ્ટ કોવિડ મેનેજમેન્ટ કર્યું હતું. રાષ્ટ્રના નાગરિક તરીકે દેશની ચિંતા કરવી એ આપણી નૈતિક ફરજ છે. વડાપ્રધાનના નેતૃત્વમાં ધર્મના રક્ષણથી લઇને રાષ્ટ્રના વિકાસમાં અનેક સિધ્ધિઓ ઉમેરાય છે. પહેલાના સમયની સરખામણીએ દેશની સમગ્ર દુનિયામાં સ્વચ્છતાની પ્રતિભા ઉભી થઈ રહી છે. કોરોના સમયમાં વિશ્વના દેશોનું અર્થતંત્ર ખોરવાયું હતું ત્યારે પણ જીડીપી ગ્રોથમાં પણ ભારત સતત અગ્રેસર થઈ રહ્યું છે.
આ પ્રસંગે ધારાસભ્ય સર્વ કાંતીભાઈ બલર, પ્રવિણભાઈ ઘોઘારી, પૂર્વ શાસક પક્ષ નેતા આર.કે.લાઠીયા, સામાજીક અગ્રણી વલ્લભભાઈ સવાણી, દિનેશભાઈ સાચપરા, મનહરભાઈ સાચપરા, સુરેશભાઈ ગોટી, લવજીભાઈ ડાલીયા, ગીરીશભાઈ શાહ, દેવેન્દ્રભાઈ, સહિત પાલીતાણા તાલુકાના સમાજશ્રેષ્ટ્રીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.