ભારતમાં કદાચ જ કોઈ એવો ક્રિકેટ ફેન હશે, જે મહેન્દ્ર સિંહ ધોનીને પસંદ નહીં કરતો હોય. ધોનીની એક ઝલક જાેવા ફેન્સ તત્પર હોય છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લઈ ચૂકેલો ધોનીએ તાજેતરમાં જ ચેન્નઈ સુપરકિંગ્સને પાંચમી વખત ઇન્ડિયન પ્રીમિયર લીગની ચેમ્પિયન બનાવી હતી. આઈપીએલની ૧૬મી સિઝન પછી હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે, ધોની હવે ફરીથી મેદાનમાં નહીં ઉતરે, પરંતુ તેણે લીગના અંતમાં સ્પષ્ટ કરી દીધું હતું કે, તે આવનારી સિઝનમાં પણ સીએસકે માટે રમવાનો છે. સોશિયલ મીડિયા પર ધોનીનો એક વિડીયો ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં ધોની એક ફ્લાઈટમાં બેઠેલો જાેવા મળી રહ્યો છે. ધોની ફ્લાઈટમાં પોતાની સીટ પર બેસીને કેન્ડી ક્રશ ગેમ રમી રહ્યો હતો. ત્યારે જ એર હોસ્ટેસ ત્યાં એક પ્લેટમાં ધોની માટે થોડી ચોકલેટ્સ લઈને આવે છે. ચોલકેટ્સની સાથે ધોની માટે એક ચિઠ્ઠી પણ હતી. ધોનીએ પણ એર હોસ્ટેસને નિરાશ નહતી કરી અને ચોકલેટ્સની પ્લેટ પોતાની પાસે રાખીને ચિઠ્ઠી ખોલીને વાંચી હતી. ત્યારબાદ ક્યૂટ સ્માઈલની સાથે તેણે આ સરપ્રાઈઝ માટે એર હોસ્ટેસનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. આપને જણાવી દઈએ કે, ધોનીને આઈપીએલ ૨૦૨૩ દરમિયાન ઘૂંટણમાં ઈજા પહોંચી હતી. તેમ છતાં તે સીએસકે માટે આખી સિઝનમાં મેદાન પર ઉતર્યો હતો. આઈપીએલમાં ટાઈટલ જીત્યા પછી ધોનીએ મુંબઈમાં પોતાના ઘૂંટણનું ઓપરેશન કરાવ્યું હતું, જે સફળ રહ્યું હતું. આવામાં હવે આશા છે કે, ધોની ટૂંક સમયમાં પોતાની ફિટનેસને બરાબર કરી લેશે અને તે હવે આગામી સિઝનમાં પણ સંપૂર્ણ રીતે ફિટ થઈને મેદાન પર ઉતરશે.