ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે તેમનો ૬૧મો જન્મ દિવસ ઉજવી રહ્યા છે. આ અવસર પણ તેમણે ત્રિમંદિર ખાતે દર્શન કર્યા. તેમણે સીમંધર ભગવાનના આશીર્વાદ લઈ રાજ્યના નાગરિકોની સુખાકારી માટે પ્રાથના કરી. મુખ્યમંત્રી આજે તેમના જન્મદિને અનેક સેવાકીય કર્યો કરી ઉજવણી કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટિ્વટ કરીને તેમને શુભકામના પાઠવી. અમિત શાહે લખ્યું, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જન્મદિવસની શુભકામનાઓ. મોદીજીના માર્ગદર્શનમાં આપ રાજ્યની વિકાસયાત્રાને અવિરત રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યા છો તેમજ વંચિત વર્ગના કલ્યાણ માટે સંપૂર્ણ સમર્પણ સાથે કામ કરી રહ્યા છો. આપના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન માટે કામના કરુ છું.
ભૂપેન્દ્ર પટેલનો જન્મ ૧૫ જુલાઇ ૧૯૬૨માં અમદાવાદમાં થયો હતો. ભૂપેન્દ્ર પટેલે સિવિલ એન્જિનિયરમાં ડિપ્લોમાનો અભ્યાસ કર્યો છે. તે વ્યવસાયે બિલ્ડર છે. આ સાથે જ સરદાર ધામ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી પણ છે. હાલ ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય છે. ભૂપેન્દ્ર પટેલ રાજ્યના પૂર્વ સીએમ આનંદી પટેલના નજીકના માનવામાં આવે છે. તેઓ વિસ્તારના સ્થાનિક રાજકારણમાંથી કોર્પોરેશન અને ત્યાર બાદ વર્ષ ૨૦૧૭ની વિધાનસભા ચુંટણીમાં ઘાટલોડિયાના ધારાસભ્ય બનનારા ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના ૧૭માં નવા સીએમ બન્યા છે.
ભૂપેન્દ્ર પટેલ ૧૯૯૫-૯૬માં મેમનગર નગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચુક્યા છે. ૧૯૯૯-૨૦૦૦, ૨૦૦૪-૦૬માં અમદાવાદ સ્કુલ બોર્ડના ચેરમેન રહી ચુક્યા છે. ૨૦૦૮-૧૦માં થલતેજ વોર્ડના કાઉન્સિલર હતા અને ૨૦૧૦-૧૫માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચુક્યા છે. તેમજ તે અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળમાં ૨૦૧૫-૧૭માં ચેરમેન રહી ચુક્યા છે. મૂળ અમદાવાદના દરિયાપુરની કડવાપોળમાં નાનપણમાં રહેતા હતા. આજે પણ દરિયાપુરમાં તો ભૂપેન્દ્રભાઈને લોકો ‘કડવાપોળના લાડકવાયા’ જ કહે છે. ૨૦૧૭માં ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી પહેલીવાર ચૂંટણી લડ્યા. પહેલી જ વિધાનસભા ચૂંટણીમાં ૧,૧૭,૭૫૦ મતની જંગી સરસાઈથી જીત્યા હતા.
ભૂપેન્દ્રભાઈ ૧૯૯૯-૨૦૦૦, ૨૦૦૪-૦૫ સુધી મેમનગર નગરપાલિકાના ચેરમેન રહ્યા. ૨૦૧૦થી ૨૦૧૫ સુધી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની સ્ટે. કમિટીના ચેરમેન રહ્યા હતા. ભૂપેન્દ્ર પટેલ પોતાના મત વિસ્તારમાં ‘દાદા’ના હુલામણા નામથી ઓળખાય છે. ૨૦૧૫-૧૭ દરમિયાન ઔડાના ચેરમેનનો અતિ મહત્ત્વપૂર્ણ હોદ્દો પણ સંભાળ્યો હતો. ૨૦૧૭ પહેલા આનંદીબેન ઘાટલોડિયાના ધારાસભ્ય હતા, આનંદીબેન પટેલ બાદમાં પોતાના વિશ્વાસુ ભૂપેન્દ્ર પટેલને ટિકિટ અપાવી હતી.