અમદાવાદના પંકજ અને નિશા પટેલને ઈરાનમાં કોણે ટોર્ચર કર્યા?
શહેરના નરોડા વિસ્તારના પંકજ પટેલ અને નિશા પટેલ દુનિયાના વિવિધ દેશોમાં થઈને ગેરકાયદેસર રીતે અમેરિકા જવા નીકળ્યા હતા, પરંતુ ઈરાનના તહેરાનમાં તેમનું અપહરણ થઈ ગયું અને તેમને ગોંધી રાખીને ટોર્ચર કરવામાં આવ્યા હતા. આ પછી ઘટનાનો વીડિયો સામે આવતા રાજ્ય સરકાર અને અમદાવાદ પોલીસ એક્ટિવ થઈ હતી અને ઈરાનની ભારતીય એમ્બેસીમાં વાત પહોંચતા તેમને મુક્ત કરીને સલામત રીતે ભારત પર લાવવામાં આવ્યા છે. ગાંધીનગરના પોશ વિસ્તાર અને એસજી હાઈવે ટચ સરગાસણની એજન્ટની ઓફિસ રડારમાં આવી છે. એજન્ટ અભય રાવલની અટકાયત કરીને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. જાેકે, તેમની આમાં તેમની સીધી સંડોવણી ના હોવાનું ખુલ્યું છે. હવે આ કેસમાં વિદેશના કયા એજન્ટનો હાથ હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. રૂપાળા લાગતા અમેરિકા સુધી પહોંચવા માટે લોકો ખોટા રસ્તા પસંદ કરતા હોય છે જેના કારણે તેમના માથે જીવનું જાેખમ રહેલું હોય છે, જે હાલના કેસમાં પણ જાેવા મળ્યું હતું. જાેકે, તાત્કાલિક પગલા ભરવામાં આવતા નિશા અને પંકજ પટેલ નામના દંપતીને ૨૪ કલાકની અંદર મુક્ત કરાવવામાં આવ્યા હતા. હવે આ કેસમાં જે પ્રાથમિક તપાસ શરુ થઈ છે તેમાં ઊંડાણ સુધી જતા કેટલાક અન્ય ખુલાસા અને ભોગ બનનારા પરિવારના કિસ્સા સામે આવી શકે છે. જે એજન્ટ દ્વારા દંપતી ૧.૧૫ કરોડ રૂપિયાની ડીલ કરીને દુનિયાના વિવિધ દેશોમાં થઈને અમેરિકા જવા માટે રવાના થયું હતું તે એજન્ટની ગાંધીનગરના સરગાસણમાં આવેલી ઓફિસ પર તાળા લાગી ગયા છે. અમદાવાદની પોલીસ દ્વારા દંપતીને ટોર્ચર કરવામાં આવ્યું અને તેની સાથે કયા દેશના એજન્ટ્સ કે ખુંખાર વ્યક્તિઓની સંડોવણી છે તેની તપાસ કરીને કેસના મૂળ સુધી પહોંચવાના પ્રયાસ હાલ તો કરવામાં આવી રહ્યા છે. રિપોર્ટ્સ મુજબ હૈદરાબાદના એજન્ટ શાકીબનો ભાઈ દંપતી સાથે ગાઈડ બનીને રવાના થયો હતો.