આગામી ૧૭-૧૮ જુલાઈએ કોંગ્રેસ શાસિત રાજ્ય કર્ણાટકની રાજધાની બેંગ્લુરુમાં યોજાનાર વિપક્ષી એકજૂટતાની બીજી બેઠકમાં ઓછામાં ઓછા ૨૪ રાજકીય પક્ષોના ટોચના નેતાઓ સામેલ થવાની શક્યતા છે. સૂત્રો અનુસાર ૮ નવી પાર્ટીઓએ ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપ વિરુદ્ધ એકજૂટતા દર્શાવવા વિપક્ષી દળોના પ્રયાસોને સમર્થન જાહેર કર્યું છે.
સૂત્રોના અહેવાલ અનુસાર મરુમલારચી દ્રવિડ મુનેત્ર કઝગમ, કોંગુ દેસા મક્કલ કાચી, વિદુલાઈ ચિરુથિગલ કાચી, રેવોલ્યૂશનરી સોશિયાલિસ્ટ પાર્ટી, ઓલ ઈન્ડિયા ફોરવર્ડ બ્લોક, ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ, કેરળ કોંગ્રેસ (જાેસેફ) અને કેરળ કોંગ્રેસ (મણિ) એ નવા રાજકીય પક્ષોમાં સામેલ છે જેઓ આ બેઠકમાં જાેડાવાના છે.
તેમણે એમ પણ કહ્યું કે કોંગ્રેસના સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી પણ આ વખતે વિપક્ષી દળોની બેઠકમાં સામેલ થવાના છે.
ઉલ્લેખનીય છે કે કેડીએમકે અને એમડીએમકે અગાઉ ૨૦૧૪ની લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપના સહયોગી હતા. દરમિયાન કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાઅર્જુન ખડગેએ ટોચના વિપક્ષી નેતાઓને આગામી એકજૂટતા બેઠકમાં ભાગ લેવા આમંત્રણ મોકલ્યું છે.