દેશમાં ખાવા-પીવાની વસ્તુઓના ભાવ એટલા વધ્યા છે કે, સામાન્ય માણસનું જીવવું મુશ્કેલ બની ગયુ છે. તે પછી ટામેટા, લીંબુ હોય કે પછી દાળ બધાના ભાવ આસમાને પહોંચ્યા છે. આતંરરાષ્ટ્રીય બજારમાં ચોખાનો ભાવ ૧૧ વર્ષની ટોચ પર પહોંચી ગયો છે. અને હવે તે ભારતમાં પણ રંગ બદલી શકે છે. આવી સ્થિતિમાં ક્યાંક એવું ના બને કે, તમારે ‘દાળ-ભાત’ ખાવાના ફાંફા પડી જાય. આ વર્ષે અલ-નીનોની સ્થિતિ સર્જાવાને કારણે ભારતમાં ચોમાસાના વરસાદ પર સંકટ છે. જેની અસર ખેતી પર પડી રહી છે. તેનાથી ચોખાની ઉપજને અસર થવાની ધારણા છે. ભારત વિશ્વના સૌથી મોટા ચોખાના નિકાસકારોમાંનું એક છે અને અન્ય કોમોડિટીની સાથે આવો ભાવ વધારો એશિયા અને આફ્રિકાના ગરીબ વર્ગને તેમની પ્લેટમાંથી ચોખા ગાયબ કરવા અથવા વધુ પૈસા ચૂકવવા મજબૂર કરી શકે છે.
વિશ્વની ચોખાની નિકાસમાં ભારતનો હિસ્સો ૪૦ ટકાથી વધુ છે. વર્ષ ૨૦૨૨માં ભારતે ૫૬ મિલિયન ટન ચોખાની નિકાસ કરી હતી પરંતુ આ વર્ષે ઓછા સપ્લાયને કારણે તેની કિંમતો વધી રહી છે. રશિયા-યુક્રેન યુદ્ધને કારણે તે વિશ્વભરમાં મોંઘવારીને થોડી વધુ ગરમી આપી શકે છે.
વિશ્વના ૩ અબજથી વધુ લોકો માટે ચોખા મુખ્ય ખોરાક છે. તેનું ૯૦ ટકાથી વધુ ઉત્પાદન એશિયામાં છે. ચોખાની ખેતી માટે પુષ્કળ પાણીની જરૂર પડે છે અને અલ-નીનોના કારણે આ વર્ષે એશિયા અને આફ્રિકા વિસ્તારમાં ચોમાસાની સ્થિતિ ચિંતાજનક બની છે.
આ હવામાનની અસર ચોખાના ભાવ પર પડે તે પહેલા જ વૈશ્વિક બજારમાં તેની કિંમતો ૧૧ વર્ષની ટોચે પહોંચી ગઈ છે. ભારતમાંથી નિકાસ થતા ચોખાના ભાવમાં ૯ ટકાનો વધારો થયો છે. આ ૫ વર્ષનું ઉચ્ચ સ્તર છે જ્યારે નવી સિઝનમાં સરકારે ચોખાના ખેડૂતોને ૭ ટકા વધુના દરે લઘુત્તમ ટેકાના ભાવ આપવાનું કહ્યું છે. આ કારણે સ્થાનિક બજારમાં પણ ચોખા મોંઘા થવાની ધારણા છે.
ચોખાના ભાવમાં નવેમ્બરની આસપાસ ઘટાડો આવવાની શક્યતા છે. ભારતમાં ચોખાનો બીજાે પાક નવેમ્બર મહિનામાં લેવામાં આવે છે. પછી સારી ઉપજને કારણે ભાવ નીચે આવી શકે છે. સરકારી ડેટા પ્રમાણે ઉનાળાની ઋતુમાં ચોખાનું વાવેતર ગયા વર્ષની સરખામણીમાં ૨૬ ટકા ઓછું રહ્યું છે. બીજી તરફ આ વર્ષે ચોમાસાનો વરસાદ પણ ૮ ટકા ઓછો છે.