ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ૨ મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ ડોમિનિકામાં રમાઈ રહી છે. આ મેચના પહેલા જ દિવસે ભારતીય ટીમે પોતાનો દબદબો બનાવી લીધો હતો. આ ઉપરાંત આ મેચમાં ભારતનો ૪૦ વર્ષ જૂનો રેકોર્ડ પણ તૂટી ગયો હતો. આ મેચમાં મુંબઈ તરફથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમનાર બેટ્સમેન યશસ્વી જયસ્વાલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું.રોહિત શર્મા અને જયસ્વાલની ઓપનિંગની સાથે જ ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં ૪૦ વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો હતો. આ ટેસ્ટ મેચમાં જે થયું તે છેલ્લી વખત વર્ષ ૧૯૮૩માં થયું હતું, જ્યારે મુંબઈ માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમતા બે બેટ્સમેન ભારત માટે ટેસ્ટમાં બેટિંગ કરવા ઓપનર તરીકે આવ્યા હતા. જયસ્વાલની સાથે રોહિત શર્મા પણ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં મુંબઈ તરફથી રમે છે.
રવિ શાસ્ત્રી અને સુનીલ ગાવસ્કરે છેલ્લી વખત વર્ષ ૧૯૮૩માં આવું કર્યું હતું. હવે રોહિત અને યશસ્વીએ આ ૪ દાયકા જૂના ઈતિહાસનું પુનરાવર્તન કર્યું છે. વર્ષ ૧૯૮૩ની ટેસ્ટ મેચ કરાચીમાં રમાઈ હતી. રવિ શાસ્ત્રી અને સુનીલ ગાવસ્કર પોતાના કરિયરમાં મુંબઈ માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમ્યા છે. વેસ્ટ ઈન્ડિઝ સામે રમાઈ રહેલી આ પ્રથમ મેચમાં રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ સહિત કુલ ચાર એવા ખેલાડીઓ ભારત તરફથી રમી રહ્યા છે જે મુંબઈ તરફથી રમે છે.
બાકીના બે ખેલાડીઓ વાઈસ-કેપ્ટન અજિંક્ય રહાણે અને ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુર છે.
આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝની ટીમ ૧૫૦ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. અશ્વિને ટીમ માટે પાંચ વિકેટ ઝડપી હતી. જવાબમાં, ભારતીય ટીમ પ્રથમ ઇનિંગમાં બેટિંગ કરવા ઉતરી હતી અને દિવસના અંત સુધી એકપણ વિકેટ ગુમાવ્યા વિના ૮૦ રન બનાવી લીધા હતા. ઓપનિંગ પર આવેલા કેપ્ટન રોહિત શર્મા ૩૦ રન અને યશસ્વી જયસ્વાલ ૪૦ રન બનાવીને અણનમ પરત ફર્યા હતા. ભારતીય ટીમ હવે માત્ર ૭૦ રનથી પાછળ છે.