અમદાવાદ શહેરમાંથી સાસુ અને વહુનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. . સાસુ પોતાની વહુ સાથે સૂઈ જતી અને દીકરાને વહુ સાથે સૂવા દેતી નહીં. સાસુ એવા પણ ટોણાં મારતી હતી કે, જાે તારા પતિ સાથે અલગ સૂવું હોય તો તારા બાપને કેજે નવું મકાન લાવી આપે. સાસુના આવા મેણાં ટોણાંથી કંટાળીને આખરે વહુએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. વહુનો એવો પણ આરોપ છે કે, તેની સાસુએ કપડાંને આગ લગાવી હતી અને પછી તેનો આરોપ તેના પર પર મૂક્યો હતો. ત્યારે આ ફરિયાદ બાદ મહિલા પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની વિગતો એવી છે કે, અમરાઈવાડી વિસ્તારમાં રહેતી એક ૩૪ વર્ષીય યુવતીને લગ્ન કરવા જાણે કે ભારે પડી ગયા હોય એવું લાગે છે.
તેણે બે વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા. લગ્ન કર્યા બાદ તે સાસરીમાં રહેવા માટે આવી હતી. તેનો પતિ એક કંપનીમાં એચઆર મેનેજર તરીકે કામ કરતો હતો. મહિલાનો આરોપ છે કે, તેના લગ્નના પંદર દિવસ પહેલાં સાસરી પક્ષના લોકોએ ૧૦ લાખ રુપિયા અને દાગીના માગ્યા હતા. એટલું જ નહીં લગ્ન કરીને તે સાસરીમાં ગઈ એના ચાર જ દિવસમાં પતિ નોકરી માટે ઈન્દોર જતો રહ્યો હતો. આ સમયગાળા દરમિયાન સાસુ તેની સાથે સૂઈ જતી હતી.
જ્યારે પતિ પરત આવે ત્યારે પણ સાસુ આવું જ કરતી અને વહુ સાથે સૂઈ જતી. પોતાના દીકરીને વહુ સાથે સૂવા દેતી નહીં. જ્યારે આ અંગે રજૂઆત કરી તો સાસુએ એવું કહ્યું કે, પતિ જાેડે અલગ સૂવું હોય તો તારા બાપને કહેજે કે મકાન લાવી આપે. મહિલાનો એવો પણ આરોપ છે કે, તેની સાસુ એક દિવસ જૂનું જમવાનું આપતી હતી. એક દિવસ સાસુએ કપડાંને આગ લગાવીને વહુ પર આરોપ મૂકીને ઘરમાંથી કાઢી મૂકવાનું કહ્યું હતુ અને ત્રાસ આપ્યો હતો. આખરે સાસુના આવા ભયંકર ત્રાસ અને મેણાં ટોણાંથી કંટાળીને વહુએ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદ નોંધાવી હતી. મહિલા પોલીસે પણ આ મામલે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.