એક તરફ પોલીસ નાગરિકોને વ્યાજના ચક્રમાંથી મુક્ત કરાવવા ભારે જહેમત ઉઠાવી રહી છે, ત્યારે બીજી તરફ વડોદરા શહેરના એક નાગરિક દ્વારા પોલીસ સામે વ્યાજખોરને છાવરવામાં આવતો હોવાના ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે. પોલીસે FIRમાંથી વ્યાજખોરનું નામ ગાયબ કરી દેવાનો આ કિસ્સો હાલ ચર્ચામાં છે.
જ્યારે કોઈ વ્યક્તિ આર્થિક સંકડામણ અનુભવતા હોય અને પૈસા મેળવવાનો કોઈ જ રસ્તો ન બચે ત્યારે આવા લોકો નાછૂટકે વ્યાજખોરોની શરણે જતા હોય છે, ત્યારે વડોદરા શહેરમાં સંતાન પ્રાપ્તિ માટેની સારવાર હેતુ વ્યાજે નાણાં લેનાર એક યુવક વ્યાજખોરનો ભોગ બન્યો છે.
આ યુવકને કોઈની સહાય ન મળતાં તેના દ્વારા IVF સારવાર કરાવવા માટે ઘનશ્યામ ફૂકબાજે નામની એક વ્યક્તિ પાસેથી વ્યાજે રૂપિયા લેવામાં આવ્યા હતા. વ્યાજખોરનો ભોગ બનેલા આ યુવકે જણાવ્યું છે કે તેને ઘનશ્યામ પાસેથી ૧૫ લાખ ૫૦ હજાર વ્યાજે લીધા હતા. તેની સામે આ માથાભારે વ્યાજખોર દ્વારા ૨૭ લાખની કડક વસુલાત કરવામાં આવી હતી. આખરે વ્યાજખોરના અસહ્ય ત્રાસથી કંટાળી આ પીડિત યુવકે લક્ષ્મીપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી કડક કાર્યવાહીની માંગ કરી છે.
લક્ષ્મીપુરા પોલીસ પાસે ન્યાયની અપેક્ષા રાખનાર આ યુવકને પોલીસનો કડવો અનુભવ થયો છે. વ્યાજખોરનો ભોગ બનનાર ગૌરાંગ પઢિયારે પોલીસ પર ગંભીર પ્રકારમાં આક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે પોલીસ દ્વારા માથાભારે ઘનશ્યામ ફુકબાજેને છાવરવામાં આવી રહ્યો છે. પોતે ફરિયાદ લખાવી હોવા છતાં પોલીસે ઘનશ્યામ ફુલબાજ ના નામ નો FIR માં ઉલ્લેખ સુદ્ધાં કર્યો નથી સમગ્ર મામલે પોલીસ કમિશનર ને રજૂઆત કરી તેમ છતાં મુખ્ય વ્યાજખોર ને લક્ષ્મીપુરા પોલીસે છાવર્યો છે.
વધુમાં આ ભોગ બનનાર યુવકે જણાવ્યું હતું કે તેના દ્વારા વ્યાજખોર ઘનશ્યામ ને ૨૭ લાખ ચૂકવ્યા છતાં ચેકો બાઉન્સ કરી તેના દ્વારા વધુ રૂપિયા વસૂલવા હેરાન કરવામાં આવી રહ્યો છે.ફરિયાદ માં લક્ષ્મીપુરા પોલીસે આરોપી તરીકે અભિષેક ગુજ્જર અને ર્નિમળાબેન ગુજ્જર ને બતાવ્યા છે તે માત્ર પ્યાદા છે. ઘનશ્યામ ફૂલબાજે સહિત ૯ લોકોના નામ પોલીસ સમક્ષ આપવામાં આવ્યા છે.ત્યારે લક્ષ્મીપુરા પોલીસે ફરિયાદ માં ફેરફાર કરી ૭ લાખ રૂપિયા ૧૦ ટકા વ્યાજે લીધા હોવાનું બતાવ્યું છે.જે તદ્દન ગેરવ્યાજબી છે.જ્યારે ફરિયાદી દ્વારા ૧૨.૫૦ લાખ ચૂકવ્યા હોવાનો ફરિયાદ માં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે એક નાગરિક દ્વારા પોલીસ ની કામગીરી સામે વેધક સવાલો ઉઠાવવામાં આવ્યા છે ત્યારે સમગ્ર મામલે એસીપી આર. ડી કવા એ જણાવ્યું હતું કે ફરિયાદી દ્વારા કુલ ૯ લોકો ના નામો આપવામાં આવ્યા હતા એ વાત સાચી છે ત્યારે પોલીસે તમામ ૯ લોકો સામે ના પુરાવા ની ચકાસણી કરી છે જેમાં ૨ આરોપીઓ ની ભૂમિકા સ્પષ્ટ થાય છે માટે તે વ્યક્તિઓ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે. પોલીસ પર વ્યાજખોરને છાવરવાનો આક્ષેપ કરનાર ફરિયાદી એ આજ કેસમાં ઘનશ્યામ ફૂલબાજ સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી, જેનું સમાધાન પણ થયું હતું. ત્યારે હવે ફરિયાદીની જીદ છે કે પોલીસ દ્વારા તમામ ૯ લોકો વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવે. સમગ્ર મામલે હાલ પોલીસ દ્વારા ફરિયાદી એ પુરાવા સ્વરૂપે આપેલા ચેક, ડાયરી, ઓડિયો વીડિયો કોલ ડીટેલ અને અન્ય પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે.
૯ વ્યક્તિઓ પૈકી જેની પણ વિરૂદ્ધમાં પુરાવા મળશે તેની સામે કાર્યવાહી કરીશું. હાલ પોલીસ તેમજ ફરિયાદી દ્વારા એક બીજા સામે આરોપો ની આંગળીઓ ચીંધવામાં આવી રહી છે ત્યારે સમગ્ર મામલે વ્યાજખોર ગૌરાંગ પઢિયારને ફોન પર પૈસાની માંગણી કરી ખૂબ ગાળો બોલતા હોવાનો વિડિયો પણ સામે આવ્યો છે. જેમાં લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના પૂર્વ તિવારી સાથે સારો ઘરોબો હોવાની પણ વ્યાજખોર ઘનશ્યામ ફૂલબાજે ફોન પર વાત કરતો હોવાનું સ્પષ્ટ થાય છે. જેની ઓડિયો ક્લિપ પણ આવી સામે ત્યારે પોલીસ દ્વારા આ કેસમાં તલસ્પર્શી તપાસ કરવામાં આવે છે કે પછી અગાઉ ની જેમ સમાધાન એ જ વિકલ્પ નો ફોર્મ્યુલા કામ કરી જાય છે એ જાેવું રહ્યું.