રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૬ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યારે ૨૫ તાલુકામાં ૧ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. વડોદરામાં ડભોઈમાં સૌથી વધુ ૨.૫ ઈંચ વરસાદ ખાબક્યો છે. લિમખેડા, દાહોદ, સંખેડામાં પણ ૨.૫ ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે ધોલેરા અને જાંબુઘોડામાં ૨ ઈંચ વરસાદ વરસ્યો છે. બીજી બાજુ, ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. આવતીકાલથી ગુજરાતમાં ધોધમાર રાઉન્ડ શરૂ થશે. ચાર દિવસ વરસાદ ગુજરાતને તરબોળ કરી શકે છે. આજથી ચાર દિવસ અતિભારેથી ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગો માટે આગાહી છે.
આવતીકાલે દક્ષિણ ગુજરાતના બે જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જેમાં નવસારી, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. ભરૂચ, સુરત, દમણ, દાદરાનગરહવેલી, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ થઈ શકે છે. ૧૯ જુલાઈએ નર્મદા, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગરહવેલી, અમરેલી, ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથમાં ભારે વરસાદ થઈ શકે છે. ૨૦ જુલાઈએ સુરત, નવસારી, જામનગર, પોરબંદર, દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. અમદાવાદ, આણંદ, ભરૂચ, વલસાડ, દમણ, દાદરાનગરહવેલી, કચ્છ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, બોટાદ, કચ્છમાં ભારે વરસાદની આગાહી છે.