મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામમાં ૪ જૂને થયેલી ૨૨ વર્ષીય યુવકની હત્યા મામલે પોલીસે બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. જાે કે, પોલીસે જ્યારે વિગતવાર તપાસ કરી તો યુવકની હત્યા કોઈ અજાણ્યાએ નહીં પરંતુ તેની ૨૦ વર્ષીય પત્નીએ કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. બંનેના લગ્ન હજી એક મહિના પહેલા થયા હતા અને વારંવાર ઝઘડાથી તેની પત્ની કંટાળી ગઈ હતી, તેથી પતિનું ઢીમ ઢાળી દીધું હતું. કરમબાઈએ પહેલા અડધી રાતે તેના ઘરમાં બે શખ્સો ઘૂસી આવ્યા હતા અને પતિ રવિ બામણિયાની હત્યા કરી હોવાની કહાણી ઘડી હતી. તેઓ મધ્ય પ્રદેશના અલિરાજપુર જિલ્લાના વતની હતા અને ખેતમજૂર તરીકે કામ કરતાં હતા.
રવિનો ભાઈ સુકુ પણ તેમની સાથે પાસેના અન્ય ખેતરમાં શ્રમિક તરીકે કામ કરતો હતો. ૪ જુલાઈએ સવારે આશરે ૩ વાગ્યે કરમબાઈ સુકુ પાસે ગઈ હતી અને બે શખ્સો રવિની હત્યા કર્યા બાદ ભાગી ગયા હોવાનું કહ્યું હતું. જાે કે, સુકુને કંઈક ખોટું થયું હોવાની ગંધ આવી હતી. કારણ કે, ઘટના બન્યાના બે કલાક બાદ કરમબાઈ તેની પાસે ગઈ હતી. પોલીસ પૂછપરછ દરમિયાન કરમબાઈ ભાંગી પડી હતી અને તેના પતિની હત્યા કરી હોવાનું સ્વીકાર્યું હતું. તેણે પોલીસને જણાવ્યું હતું કે, તેઓ બંને વચ્ચે નાની-નાની વાતને લઈને ખૂબ જ ઝઘડા થતા હતા. આ સિવાય તેનો પતિ પિયરના કોઈ પણ સભ્ય સાથે વાત કરવા દેતો નહોતો અને માતા-પિતાના ઘરે પણ જવાની મંજૂરી આપી નહોતી. હત્યાના દિવસે પણ બંને વચ્ચે ઝઘડો થયો હતો અને તેના કારણે કરમબાઈને ગુસ્સો આવ્યો હતો.
જ્યારે તેનો પતિ ઊંઘતો હતો ત્યારે લોખંડના સળિયાથી વારંવાર માથા પર ઘા મારી તેની હત્યા કરી હતી. પતિના મોત બાદ તે ડરી ગઈ હતી અને પકડાવાથી બચવા માટે તેણે કહાણી ઘડી હતી. વાંકાનેર તાલુકા પોલીસે હત્યામાં વપરાયેલા હથિયારને જપ્ત કર્યું હતું. ગત અઠવાડિયે સુરતના લિંબાયત વિસ્તારમાં ભાઈએ લગ્નના એક દિવસ પહેલા બહેનની હત્યા કરી હોવાની ઘટના બની હતી. બહેને પરિવારની વિરુદ્ધ જઈને પ્રેમી સાથે કોર્ટ મેરેજ કરી લીધા હતા. બંને એક મહિનાથી સાથે રહેતા હતા. યુવકના પરિવારે રીતિ-રિવાજથી લગ્ન કરવાનું કહેતા યુવતી તેના પિયર આવી હતી અને ત્યાં પણ પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થયા હતા. લગ્નના એક દિવસ પહેલા જ્યારે તેને પીઠી લગાવવામાં આવી રહી હતી ત્યારે પિતરાઈ ત્યાં આવી ચડ્યો હતો અને તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી હતી. યુવતીને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી ત્યાં તેને મૃત જાહેર કરાઈ હતી. બીજી તરફ સ્થળ પર હાજરે આરોપીને પકડી લીધો હતો અને પોલીસ હવાલે કર્યો હતો.