સરધાર ગામના ઠાકરશી સોલંકી નામના વૃધ્ધનું આજે સિવિલ હોસ્પિટલમાં સવારે મોત નીપજ્યું હતું. પરિવારજનોનો આક્ષેપ છે કે ઠાકરશી સોલંકીનું પોલીસના ઢોર મારને કારણે મોત નીપજ્યું છે. પરિવારજનોના કહેવા પ્રમાણે ગત ૩ જુલાઇના રોજ સરધારમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનામાં શંકમદ તરીકે ઠાકરશી સોલંકી તેના પુત્ર અને જમાઇને આજીડેમ પોલીસ પકડીને લઇ ગઇ હતી.
બાદમાં તેની પુછપરછ કરી અને અસહ્ય ઢોર માર માર્યો, પરંતુ નિર્દોષ હોવાને કારણે પોલીસે તેને છોડી મૂક્યા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત વૃધ્ધને નજીકની વાડીમાં રાખવામાં આવ્યા હતા. દરમિયાન આજે સવારે મોત નીપજતા પરિવારજનોએ પોલીસના મારને કારણે મોત નીપજ્યાનો આક્ષેપ લગાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
આ અંગે મૃતકના જમાઇ મનોજ દેલવાણીએ કહ્યું હતું કે મારા સસરા ઠાકરશીભાઇ મારા ઘરેથી નીકળ્યા બાદ ચોરીની આશંકાએ પોલીસ પકડી ગઇ. બાદમાં તેના દીકરા અને મને બંન્નેને પોલીસ પકડીને લઇ ગઇ હતી. અમને ત્રણેયને પોલીસ દ્રારા અસહ્ય માર મારવામાં આવ્યો. મારા સસરાના મોં માં બંદુર રાખીને ચોરીનો ગુનો કબુલાત કરવાનું દબાણ કરવામાં આવ્યું હતું પરંતુ અમે નિર્દોષ હોવાથી અમને રસ્તા પર છોડી મૂકવામાં આવ્યા હતા. બાદમાં ઠાકરશીભાઇ ખુબ જ ડરી ગયા હોવાને કારણે તેઓ ખેતરના મકાનમાં રોકાયા હતા. દરમિયાન આજે સવારે તેઓ જાગ્યા જ ન હતા.પોલીસના ડરથી તેઓએ સારવાર પણ લીધી ન હતી. આ અંગે યોગ્ય તપાસ થાય તેવી પરિવારજનોએ માંગ કરી હતી.