મુંબઈ પોલીસે શહેરના પશ્ચિમી ઉપનગરમાં નાળા પરના ૬,૦૦૦ કિલો લોખંડના પુલની કથિત રીતે ચોરી કરવા બદલ ચાર લોકોની ધરપકડ કરી છે.
બાંગુર નગર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે મલાડ(વેસ્ટ)માં ૯૦ ફૂટ લાંબુ મેટલ સ્ટ્રક્ચર યુટિલિટી કંપની અદાણી ઇલેક્ટ્રિસિટી દ્વારા વિશાળ ઇલેક્ટ્રિક કેબલ પસાર કરવા માટે મૂકવામાં આવ્યું હતું. નાળા પર કાયમી પુલ બનાવવામાં આવ્યા બાદ થોડા મહિના પહેલા જ કામચલાઉ પુલ આ વિસ્તારમાં બીજી જગ્યાએ ખસેડવામાં આવ્યું હતું.
અધિકારીએ જણાવ્યું કે, ૨૬ જૂને આ કામચલાઉ પુલ ગુમ થયો હતો, જેના પગલે વીજ કંપનીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.જે કંપનીને બ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તેના કામદારો પર ચોરીનો આરોપ લાગ્યો હતો.
તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે, પુલને છેલ્લે ૬ જૂને જાેવામાં આવ્યો હતો.
સ્થળ પર કોઈ સીસીટીવી કેમેરા ન હોવાથી, પોલીસે આસપાસના વિસ્તારોમાં લગાવેલા સર્વેલન્સ કેમેરાના ફૂટેજ સ્કેન કર્યા અને ૧૧ જૂને એક મોટું વાહન પુલની દિશામાં જતું જાેવા મળ્યું હતુ, આ પછી, પોલીસે તેના રજીસ્ટ્રેશન નંબર પરથી વાહનને ટ્રેસ કર્યું.
અધિકારીએ કહ્યું કે, “વાહનમાં ગેસ કટીંગ મશીનો હતા, જેનો ઉપયોગ પુલને તોડી પાડવા અને ૬,૦૦૦ કિલો વજનના લોખંડની ચોરી કરવા માટે કરવામાં આવ્યો હતો.” વધુ તપાસ બાદ, પોલીસે તે ફર્મના એક કર્મચારી સુધી પહોંચી હતી. જેને બ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.
અધિકારીએ જણાવ્યું કે, પોલીસે ગયા અઠવાડિયે કર્મચારી અને તેના ત્રણ સાથીઓની ધરપકડ કરી હતી. મહત્વનું છેકે, ઘટનાસ્થળેથી ચોરાયેલ સામાન મળી આવ્યો છે.