રાજ્યમાં વરસાદના બીજા રાઉન્ડની શરૂઆત થઇ ચૂકી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના પગલે ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. મહેસાણામાં ધોધમાર વરસાદને પગલે ગોપીનાળામાં વરસાદી પાણી ભરાયા છે. જેના પગલે ગોપીનાળાની બીજી બાજુ બસ ફસાઈ છે. ગોપીનાળામાં ફસાયેલી બસને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જ્યારે ગોપીનાળાના બંને બાજુના રસ્તાઓ બંધ પાણી ભરાવવાને લીધે બંધ છે. હવામાન વિભાગાની આગાહી અનુસાર મેઘમહેર જાેવા મળી રહી છે. પાટણમાં મોડી રાતથી વહેલી સવાર સુધી ધોધમાર વરસાદ પડ્યો છે. ૨ ઈંચ વરસાદમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. શહેરના આનંદ સરોવર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે.
રસ્તાઓ પર પાણી ભરાતા રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે. પાટણ જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં જિલ્લાના ૬ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સૌથી વધુ સરસ્વતી તાલુકામાં ૪ ઈંચ વરસાદ પડ્યો છે. પાટણ ૨ ઈંચ, રાધનપુર ૧ ઈંચ તેમજ સિદ્ધપુર, હારીજ અને ચાણસ્મા પણ નોંધપાત્ર વરસાદ પડ્યો છે. હાલ પણ જિલ્લામાં ધીમી ધારે સાવર્ત્રિક વરસાદ શરુ થયો છે. પાલનપુરમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. વરસાદને લીધે અમદાવાદ-આબુ રોડ હાઇવે પર પાણી ભરાયા છે, જ્યારે હાઇવે પર ટ્રક પલટી ગયો છે. ટ્રક પલટી જતાં હાઇવે પર ટ્રાફિકજામ સર્જાયો છે.
જેના લીધે હાઇવે પર ૨ કિલોમીટર લાંબી વાહનોની કતારો લાગી છે. હવામાન વિભાગે રાજ્યમાં વિવિધ સિસ્ટમના કારણે ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે, ત્યારે બનાસકાંઠા અને પાટણમાં ધોધમાર વરસાદ પણ જાેવા મળી રહ્યો છે. નોંધનીય છે કે, ૨૪ કલાકમાં રાજ્યના ૧૫૭ તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ જૂનાગઢના ભેસાણમાં સાડા ૪ ઈંચ ખાબક્યો છે. પાટણના સરસ્વતીમાં ચાર ઈંચ વરસાદ પડ્યો છે. પોરબંદર અને વીજાપુરમાં સાડા ૩ ઈંચ વરસાદ પડ્યો છે. મુંદ્રા અને લાખણીમાં સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે રાજ્યના ૧૯ તાલુકામાં ૨ ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. ૪૭ તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.