પાલનપુરમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. વરસાદને લીધે અમદાવાદ-આબુ રોડ હાઇવે પર પાણી ભરાયા છે, જ્યારે હાઇવે પર ટ્રક પલટી ગયો છે. ટ્રક પલટી જતાં હાઇવે પર ટ્રાફિકજામ સર્જાયો છે. જેના લીધે હાઇવે પર ૨ કિલોમીટર લાંબી વાહનોની કતારો લાગી છે. હવામાન વિભાગે રાજ્યમાં વિવિધ સિસ્ટમના કારણે ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે, ત્યારે બનાસકાંઠા અને પાટણમાં ધોધમાર વરસાદ પણ જાેવા મળી રહ્યો છે. પાલનપુરમાં ભારે વરસાદને લઈને હાઇવે પર પાણી ભરાયા છે. અમદાવાદ-આબુરોડ હાઇવે ઉપર પાણી ભરાતા ટ્રક પલટી ગયું હતું. રાજસ્થાનથી અમદાવાદ તરફ જઈ રહેલી ટ્રક પલટી મારતા ટ્રકમાં ભરેલો માલસામાન પલળ્યો હતો. હાઇવે ઉપર ટ્રક પલટી મારતા ટ્રાફિકજામ સર્જાયો હતો. અમદાવાદ-આબુરોડ હાઇવે ઉપર ૨ કિલોમીટર લાંબી વાહનોની કતારો લાગી હતી.
બનાસકાંઠામાં ભારે વરસાદ જાેવા મળી રહ્યો છે, ત્યારે પાલનપુરમાં અનેક જગ્યાએ રસ્તા તૂટ્યા છે. ભારે વરસાદના કારણે લુણવાથી પરપડા જતો રસ્તો તૂટ્યો છે. રસ્તો તૂટતા વાહન ચાલકો અને સ્થાનિકો અટવાયા છે. બનાસકાંઠા જિલ્લામાં સાવર્ત્રિક વરસાદ જાેવા મળી રહ્યો છે. ૧૦ દિવસ બાદ ફરી ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. ધાનેરા, ડીસા, પાલનપુર, લાખણી, દિયોદર, કાંકરેજ, વાવ, ભાભર, સુઇગામ, દાંતીવાડા સહિતના તાલુકાઓમાં વરસાદ જાેવા મળી રહ્યો છે. મોડી રાતથી શરૂ થયેલા વરસાદથી જનજીવન પર અસર જાેવા મળી રહી છે. ધીમી ધારે વરસાદથી ધરતીપુત્રો ખુશ છે.
મોડીરાતથી વરસી રહેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. બનાસકાંઠામાં છેલ્લા ૨૪ કલાકમાં વરસેલા વરસાદની વાત કરીએ તો, દાતામાં ૬૧ મીમી, દિયોદરમાં ૬૦ મીમી, પાલનપુરમાં ૭૬ મીમી, લાખણીમાં ૮૧ મીમી, થરાદમાં ૪૧ મીમી, વાવમાં ૧૮ મીમી, ધાનેરામાં ૨૫ મીમી, દાંતીવાડામાં ૩૩ મીમી, અમીરગઢમાં ૩૩ મીમી, વડગામમાં ૪૩ મીમી, ડીસામાં ૩૯ મીમી, ભાભરમાં ૩૫ મીમી, સુઈગામમાં ૩૩ મીમી, કાંકરેજ માં ૩૬ મીમી વરસાદ નોંધાયો છે.