બિહારમાં અવિરત વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે તો બીજી તરફ આકાશમાંથી વરસી રહેલી આફતને કારણે અનેક પરિવારોનો આધાર છીનવાઈ ગયો છે. મંગળવારે બિહારના અલગ-અલગ જિલ્લામાં વીજળી પડવાથી ૨૫થી વધુ લોકોના મોત થયા છે. જેમાં રોહતાસમાં ૬, ભાગલપુરમાં ૪, જહાનાબાદ, બક્સર અને જમુઈમાં ત્રણ-ત્રણ, બાંકામાં બે, જ્યારે ગયા, ઔરંગાબાદ, શિવહર, ખગરિયા, કટિહાર અને ભભુઆમાં એક-એક વ્યક્તિના મોત થયા છે. તેમાં ચાર મહિલાઓ અને બે બાળકીઓનો સામેલ છે. મૃત્યુ પામેલા લોકોમાં મોટાભાગના ખેડૂતો અને ખેતરોમાં કામ કરતા મજૂરો અને ઢોર ચરાવવા ગયેલા લોકો સામેલ છે.
આકાશમાંથી વરસી રહેલી આફતની સૌથી વધારે અસર બિહરના રોહતાસ જિલ્લામાં થઈ છે. ત્યાં મંગળવારે મૂસળધાર વરસાદ અને વીજળીના કારણે જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં બે મહિલાઓ સહિત ૬ લોકોના મોત થઈ ગયા છે.
મંગળવારે બપોરે કરગહરમાં વીજળી પડવાથી વિમલા દેવી નામની મહિલાનું મોત થઈ ગયુ હતું. આ સાથે જ રોહતાસ પોલીસ સ્ટેશન વિસ્તારના નગર ટોલીમાં પડી જવાથી રાજકુમારી દેવીનું મોત થયું હતું. આ સાથે રંજન યાદવ નામના ખેડૂતનું મહેફિલ દરમિયાન વીજળી પડવાથી મોત થયું હતું. સૂર્યપુરાના પાદરીયામાં ૧૮ વર્ષીય પપ્પુ કુમારનું વીજળી પડવાથી મોત થયું હતું.
જહાનાબાદમાં વીજળી પડવાથી ૩ લોકોના મોત થયા છે. ત્યાં પરસબીઘા પોલીસ સ્ટેશન વિસ્તારના તિતાઈ બિગહા ગામમાં એક યુવક ગોપીલ કુમાર, કાકો પોલીસ સ્ટેશન વિસ્તારના દક્ષિણ ગામમાં ઢોર ચરાવવા ગયેલા અનુજ પાસવાનનું મૃત્યુ થઈ ગયુ હતું. જ્યારે હુલાસગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના રૂસ્તમ ચક ગામમાં રામચંદ્ર બિંદ નામના વ્યક્તિનું વીજળી પડવાથી મોત થયું હતું. ભાગલપુરમાં ચાર લોકોના મોત થયા હતા જ્યારે જમુઈમાં વીજળીની લપેટમાં આવવાથી ૩ લોકોના મોત થઈ ગયા હતા.
બિહારના સીએમ નીતિશ કુમારે વીજળી પડવાથી લોકોના મોત પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. સીએમ નીતિશ કુમારે કહ્યું છે કે તેઓ આપત્તિની આ ઘડીમાં પીડિત પરિવારોની સાથે છે. મુખ્યમંત્રીએ પીડિત પરિવારને ૪-૪ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ સાથે તેમણે લોકોને ખરાબ હવામાન અને વાવાઝોડા અંગે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા સમયાંતરે જારી કરાયેલા સૂચનોનું પાલન કરવાની અપીલ કરી છે.